વડોદરા : માંજલપુર વિસ્તારમાં બે દિવસ અગાઉ મોડી સાંજે પુરઝડપે પોતાની જીપ હંકારીને મોપેડસવાર ભાઈ-બહેનોને અડફેટે લઈ તે પૈકીના ૭ વર્ષના માસુમ ભાઈનું મોત નિપજાવીને ફરાર થવાના હીટ એન્ડ રનના કેસમાં સંડોવાયેલો માથાભારે દેવુલ ફુલબાજે આજે બપોરે નાટકિય ઢબે તેના વકીલ સાથે માંજલપુર પોલીસ મથકમાં હાજર થયો હતો. પોલીસે તેની હીટ એન્ડ રન કેસના ગુનામાં અટકાયત કરી તેને તુરંત આરટીપીસીઆર ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

માંજલપુર વિસ્તારમાં ઈવામોલ પાસેના ડ્રીમ આઈકોનમાં રહેતા નામચીન દેવુલ ઘનશ્યામ ફુલબાજેએ શનિવારની સાંજે માંજલપુર મંગલેશ્વર સ્મશાન પાસેના રોડ પર પોતાની જીપને પુરઝડપે હંકારી હતી અને પ્લેઝર મોપેડ પર બે સંબંધી ભાઈઓને ટ્યુશનક્લાસથી લઈને ઘરે જઈ રહેલી કોલેજીયન યુવતીની મોપેડને ધડાકાભેર ટક્કર મારી અકસ્માત કર્યો હતો જેમાં ૭ વર્ષીય કવિશ રાજેશભાઈ પટેલનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ દેવુલે ફરાર થવાની લ્હાયમાં પોતાની જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી હતી અને જીપને ત્યાં જ છોડી તે ફરાર થયો હતો. આ હીટ એન્ડ રનના બનાવની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના અંતે દેવુલ ફુલબાજે સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. બે દિવસ ફરાર રહ્યા બાદ દેવુલ ફુલબાજે નાટકિય ઢબે આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં પોતાના વકીલ સાથે જાતે પોલીસ મથકમાં હાજર થયો હતો.

પોલીસે દેવુલની અટકાયત કરી હતી અને તેને કોરાના છે કે કેમ ? તેની ચકાસણી માટે તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે તુરંત સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે માંજલપુર પીઆઈ કે.એમ.છાંસિયાએ જણાવ્યું હતું કે દેવુલનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે. જાેકે પ્રાથમિક પુછપરછમાં દેવુલે જણાવ્યું હતું કે અકસ્માતના બનાવ બાદ તે ગભરાઈ જતા જીપને ત્યાં જ છોડીને ફરાર થયો હતો.

દેવુલે દારૂનો નશો કર્યો હતો કે કેમ તેની પણ તપાસ

માંજલપુર વિસ્તારમાં બે દિવસ અગાઉ મોડી સાંજે પુરઝડપે દેવુલ ફુલબાજેએ દારૂના નશામાં પુરઝડપે જીપ હંકારીને અકસ્માતમાં બાળકનું મોત નિપજાવ્યું હોવાનો આક્ષેપો થતાં પોલીસે આજે દેવુલને સયાજી હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલી તેણે દારૂનો નશો કર્યો હતો કે કેમ તેની ચકાસણી માટે તેના બ્લડ સેમ્પ્લો પણ મેળવ્યા છે.