આણંદ, તા.૨૮ 

હાલમાં ચાલી રહેલી નોવેલ કોરોના વાઇરસની મહામારીમાં વિશેષજ્ઞોનું માનવું છે કે, ૧૪ વર્ષથી નાના બાળકો તેમજ ૫૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમને આ બીમારીનું સંક્રમણ થવાનો ભય સૌથી વધારે છે. પરિણામે ખંભાત રાણા સમાજ દ્વારા સમાજના લોકોના કોરોના સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતું.

ખંભાત તાલુકાનાં નગરા ગામે આવેલાં સરકારી આયુર્વેદિક દવાખાનાના ડો.ગૌરાંગભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ ગુડુચ્યાદિ, ગિલોય, નીમ, સૂંઠ, મરી, પીપર તેમજ ત્રિકટુ જેવી ઔષધીને તૈયાર કરી તેનો ઉકાળો બનાવી લોકોને આપવામાં આવ્યો હતો. તા.૨૬ને રવિવારના રોજ વહેલી સવારે આ ઉકાળો તૈયાર કરી ખંભાત રાણા સમાજના જ્ઞાતિજનો માટે શ્રી ખંભાત રાણા સમાજના બંને પક્ષના કેળવણી મંડળોના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેમજ સમાજના કેટલાક ઉત્સાહિત યુવાનોની આગેવાની હેઠળ ખંભાતના દરેક રાણા સમાજના ઘરે ઘરે ઉકાળો પહોંચાડવાનું તેમજ રસ્તા વચ્ચે પણ રાહદારીઓ તેનો લાભ લઇ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના યુવા વર્ગે ખુબ જ મેહનત કરી દરેક નાગરિકને ઉકાળો પીવા આગ્રહ કર્યો હતો. આ સિવાય પણ લોકોમાં જાગૃતિ કેળવો સૂચનો આપવામાં આવ્યાં હતાં.