વડોદરા, તા. ૩૧ 

લાંબા સમયથી પોતાના આવાસો અને મકાનભાડા માટે આંદોલન કરી રહેલા વારસિયાના સંજયનગરના વિસ્થાપીતોએ આજે સંયમ ગુમાવ્યો હતો અને તેઓ આંદોલન કરવા માટે ગાંધીનગર જવા માટે પગપાળા નીકળતા પોલીસે બેડામાં દોડધામ મચી હતી અને પોલીસે મહિલાઓ સહિત ૮૪ લોકની અટકાયત કરી હતી. વારસિયામાં આવેલા સંજયનગરના રહીશો પોતાના મકાનો તંત્ર દ્વારા તોડી પાડ્યા બાદ વિવિધ સ્થળોએ ભાડાના મકાનોમાં રહે છે. જાેકે તંત્ર દ્વારા તેઓને છેલ્લા ત્રણ વર્ષથી આવાસોની ફાળવણી કરી નથી કે તેઓને મકાન ભાડુ પણ ચુકવવાનું બંધ કરી દીધું છે જે મુદ્દે સંજયનગરના રહીશો ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. જાેકે તંત્ર દ્વારા તેઓની સમસ્યાઓનું નિરાકરણ નહી આવતા આજે સંજયનગરના વિસ્થાપીતોએ સંયમ ગુમાવ્યો હતો અને તેઓ આંદોલન કરવા માટે ગાંધીનગર જવા માટે પગપાળા નીકળ્યા હતા. જાેકે આંદોલનકારીઓના પગપાળા યાત્રાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી હતી અને વારસિયા પોલીસે આંદોલનકારીને અટકાવ્યા હતા. એક તબક્કે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પરંતુ પોલીસે તે પૈકીના મહિલાઓ સહિત ૮૪ની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. મોડી સાંજે તમામ અટકાયતીઓનો છુટકારો થયો હોવાનું વારસિયા પોલીસે જણાવ્યું હતું.