દિલ્હી-

કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરવા દિલ્હીની બોર્ડરો પર બેઠેલા ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈતએ વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્વિમ બંગાળના દૌરની જાહેરાત કરી છે. રાકેશ ટિકૈતએ કહ્યું કે તે ચૂંટણીના ફક્ત 14 દિવસ પહેલાં એટલે કે 13 માર્ચના રોજ બંગાળ જશે અને ત્યાં આયોજિત એક મહાપંચાયતમાં જોડાશે અને ત્યાં સ્થાનિક ખેડૂતો અને પ્રજાને પોતાનો મત સમજાવવાનો પ્રયાસ કરશે.

ચૂંટણીવાળા રાજ્યોના લોકો સાથે ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી નીતિઓના વિરૂદ્ધ ભાજપને પાઠ ભણાવવાની અપીલ કરશે એવી જાહેરાત થોડો સમય પહેલા સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા કરવામાં આવી હતી. કહેવાય છે કે ડો. દર્શન પાલ, યોગેંદ્ર યાદવ, બલવીર સિંહ રાજેવાલ જેવા અન્ય ખેડૂત નેતા પણ 12 માર્ચના રોજ આ મહાપંચાયતમાં જોડાશે. જ્યારે રાકેશ ટિકૈત 13 માર્ચના રોજ તેને સંબોધિત કરશે. આ નેતાઓ સ્થાનિક પ્રજાને પોતાના પ્રશ્નોથી વાકેફ કરશે. બંગાળની 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે નોંધનીય એ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખેડૂતોને પોતાનું સમર્થન આપે છે.