અમદાવાદ, નરોડાના સ્મશાન રોડ પાસે આવેલ કેપીટલ કોમ્પ્લેક્ષમાં અચાનક આગ લાગી હતી. જાે કે આગ ડાબી બાજુએ ત્રણ માળ જેટલા ઉંચા લગાવેલા ફ્લેક્સ બેનરમાં લાગી હતી. બીજી બાજુ કોમ્પ્લેક્ષની જમણી બાજુએ કોવિડ હોસ્પિટલ આવેલી હતી. આગની જાણ ફાયરબ્રિગેડને થતા ૭ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચી ૨ કલાકની કામગીરી બાગ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનમાં કોઈ જાન હાની થઈ ન હતી.

અમદાવાદના નરોડા વિસ્તારના સ્મશાન રોડ પાસે આવેલ કેપીટલ કોમ્પ્લેક્ષની ડાબી બાજુએ ત્રણ માળના ફ્લેક્સ બેનરમાં શનિવારે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જાે કે આગની જાણ ફાયરબ્રિગ્રેડને કરતા ફાયરબ્રિગ્રેડની ૭ ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુમેળવવાની તજવીજ હાથધરી હતી. બીજી બાજુ કોમ્પલેક્ષની જમણી બાજુએ કોવિડ હોસ્પિટલ હોવાના કારણે લોકોમાં અફડાતફળીનો માહોલ સર્જાયો હતો. જાે કે આગ ડાબી બાજુના બેનરમાં લાગી હોવાના કારણે તે જમણી બાજુ પ્રસરે તે પહેલા જ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથધરી હતી. બીજી બાજુ સાવચેતીના ભાગ રૂપે કોવિડ હોસ્પિટલમાં રહેલા ૧૨ દર્દીઓ પૈકી નોન આઈસીયુમાં રહેલા ૮ દર્દીઓને સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. જ્યારે ૪ દર્દીઓ આઈસીયુમાં હતા પરંતુ આગ લાગી ત્યાંથી લગભગ ૧૦૦ ફૂટ થી પણ વધારે અંતર હોવાથી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડે ૨ કલાક જેટલી જહેમતભરી કામગીરી કરીને આગ કોવિડ હોસ્પિટલમાં પ્રસરે તે પહેલા જ બાદ આગ પર કાબુમેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જાે કે પાર્ક કરેલા ચાર વાહનો આગની જપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયા હતા.

રસ્તા નાના અને ખાડા હોવાથી ફાયરબ્રિગેડની ગાડી ફસાઈ

આગની જાણ ફાયરબ્રિગેડને થતા ૭ ગાડીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથધરે તે પહેલા કોમ્પલેક્ષ પાસેનો રોડ નાનો અને રોડની બાજુમાં ખાડા હોવાના કારણે ફાયરબ્રિગેડની એક ગાડીના ટાયરો ખાડામાં આવી જતા ગાડી ફસાઈ ગઈ હતી. જાે કે જેમ તેમ કરીને જરૂરી માનવ બળ વાપરીને ગાડીને ખાડામાંથી બહાર કાઢવાનો વારો આવ્યો હતો.

આગની લપેટમાં આવતા ચાર વાહનો બળીને ખાખ થઈ ગયા

કોપ્લેક્ષની પાસે પાર્ક કરેલા ૪ થી વધુ વાહનો આગની જપેટમાં આવી જતા ચારેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. એટલુ જ નહીં આગ લાગી તે બાજુ ડીપી પણ હતી.જેથી લાઈટો બંધ થઈ ગઈ હતી અને આગની અસર ડીપીને પણ થઈ હતી. જાે કે આગ વધુ વિકરાળ બને તે પહેલા ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો.

સલામતીના ભાગ રૂપે ૧૦૮ બોલાવાઈ

આગ લાગી તે કોમ્પ્લેક્ષના જમણી બાજુમાં કોવિડ હોસ્પિટલ હોવાની જાણ ફાયરબ્રિગેડને થતા જડપથી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ કરી દીધો હતો. બીજી બાજુ સલામતીના ભાગ રૂપે ૧૦૮ને પણ બોલાવવામાં આવી હતી.