કેનબેરા

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20 સીરિઝની પહેલી મેચમાં કેનબરા ખાતે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા છે. ભારત માટે લોકેશ રાહુલે પોતાના T-20 કરિયરની 12મી ફિફટી ફટકારતા 51 રન કર્યા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44* રન કર્યા. વિરાટ કોહલી, શિખર ધવન, મનીષ પાંડે નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેયે મળીને માત્ર 12 રન કર્યા. કાંગારું માટે મોઝેઝ હેનરિક્સે 3, મિચેલ સ્ટાર્કે 2, જ્યારે એડમ ઝામ્પા અને મિચ સ્વેપ્સને 1-1 વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયા માટે મીડિયમ પેસર મોઝેઝ હેનરિક્સે પોતાના ઇન્ટરનેશનલ T-20 કરિયરનો શ્રેષ્ઠ દેખાવ કરતા 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે લોકેશ રાહુલ, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાને પેવેલિયન ભેગા કર્યા હતા. પંડ્યા હેનરિક્સની બોલિંગમાં લોન્ગ-ઓફ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 1 સિક્સની મદદથી 16 રન કર્યા હતા.

લોકેશ રાહુલે પોતાના T-20 કરિયરની 12મી ફિફટી ફટકારતા 40 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 51 રન કર્યા હતા. તે હેનરિક્સની બોલિંગમાં લોન્ગ-ઓન પર એબોટ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલાં મનીષ પાંડે 2 રને ઝામ્પાની બોલિંગમાં શોર્ટ થર્ડમેન પર હેઝલવુડ દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે સંજુ સેમસન 23 રને મોઝેઝ હેનરિક્સની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર સ્વેપ્સનના હાથે કેચ આઉટ થયો હતો