ભરૂચ, ભરૂચ શહેરમાં છેલ્લા એક મહિનાથી મંદિરની દાનપેટીઓ અને દુકાનોના શટરો તોડતી ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. શહેરમાં ૩૦ દિવસમાં જ ૮ મંદિરો અને ૯ દુકાનોમાં ધાપ મારનાર ટોળકીના ૪ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરૂચમાં નંદેલાવ રોડ સ્થિત દ્વીજ પ્લાઝામાં આવેલ પટેલ ટ્રેડર્સ તથા ભુમી મેચીંગ સેન્ટર તેમજ ગોદી રોડ રૂત્વા પેલેસમાં આવેલ મારૂતી બુક સ્ટોર નામની દુકાનોના શટર તોડી ચોરી થઈ હતી. ફરિયાદના અનુસંધાને પોલીસે ઇસમોના વર્ણન આધારે બનાવના સ્થળ તથા ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે ગુનાને અંજામ આપનાર દેખાતા ઇસમો મામલતદાર કચેરી ભરૂચ પાછળ રેલ્વે પાટાની નીચે ઝુંપડપટ્ટી ખાતે રહે છે. પોલીસે છાપો મારી મુળ દાહોદના વરમખેડા તથા આસપાસના ગામોના રહેવાસી મહેશ ભુરીયા, અલેશ ગણાવા, કરણ ભાભોર અને અર્જુન મોહણીયા હાલ રહે ભરૂચ રેલવે પાટા પાસે ધરપકડ કરી હતી.

આ ઉપરાંત રાકેશ બચુભાઇ મેડા રહે. શક્તિનાથ ગરનાળા રેલ્વે પાટાની નીચે ભરૂચને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીઓએ આશ્રય સોસાયટીમાં જગન્નાથ મંદિર, જુની મામલતદાર ઓફીસ સામે હનુમાનજી મંદિર, અયોધ્યાનગરમાં સંતોષી માતાજીનું મંદિર, લીંક રોડ પર ગંગેશ્વર મહાદેવ, નારાયણકુંજ સોસાયટીમાં આવેલું મંદિર, એસટી ડેપો સામે આવેલા મહાદેવ મંદિર, નંદેલાવ રોડ પરના દ્વીજ પ્લાઝામાં આવેલ પટેલ ટ્રેડર્સ તથા ભુમી મેચીંગ સેન્ટર તેમજ ગોદી રોડ રૂત્વા પેલેસમાં આવેલ મારૂતી બુક સ્ટોર, શક્તિનાથ ગરનાળા પાસે આવેલ એક કરીયાણાની દુકાન, પાંચબત્તી પેટ્રોલ પંપની સામે સાડીની દુકાન, શક્તિનાથ ગરનાળાની સામે ઇલેક્ટ્રોનીકની તેમજ અન્ય ૩ દુકાન સહિતના સ્થાનોએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.