વડોદરા-

બેંક ઓફ બરોડાની નવયુગ શાખામાં ધિરાણ આપવાના બહાને ૨.૨૭ કરોડના ફ્રોડ બાદ ડુમસ બાંચ સાથે પણ આ જ મોડસ ઓપરન્ડીથી ઠગાઇનું રેકેટ બહાર આવ્યું છે. એજન્ટ તથા વિવિધ એકમોના સંચાલકો સાથે મળી બોગસ ક્વોટેશન લેટર સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરી બેંકને ૮.૩૩ કરોડનો ચૂનો ચોપડાયો હતો. સીઆઇડી ક્રાઇમમાં બેંકના અધિકારી, એજન્ટ તથા ધિરાણ લેનાર પાર્ટીઓ સહિત ૪૪ જણ સામે ગુનો નોંધાયો છે.

પાલ ગેલેક્ષી સર્કલ ખાતે ગેલેક્ષી એન્કલેવમાં રહેતા અમિતભાઇ ચૌધરી બેંક ઓફ બરોડાની ડુમસ શાખામાં મેનેજર છે. બેંક દ્વારા સરકાર તરફથી ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત ધિરાણ આપવામાં આવે છે. દરમિયાન બેંક દ્વારા તપાસ કરાતા એવું બહાર આવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ના સમયગાળામાં બેંકના કેટલાંક અધિકારીઓએ ગુનાઇત કાવતરું રચી કેટલીક પાર્ટીઓ કહો કે એકમો સાથે મળી વિવિધ મશીનરીના નામે ધિરાણ આપવાનું જણાવી ઝીરોમેક્ષ -ઇન્ડસ્ટ્રીઝ, વી.એમ.એન્ટરપ્રાઇઝ, તપોવન એન્ટરપ્રાઇઝ વિગેરે પેઢીઓ મશીનરીના સપ્લાયર અને ડીલર છે એવાં ખોટાં ડોકયુમેન્ટ ઉભા કર્યા હતા.

બોગસ ક્વોટેશન લેટર બનાવી સહિ-સિક્કા કરી બેંકમાં રજૂ કર્યા હતા. બેંકના સિનિયર મેનેજર ઉમેશ દલાલ ધિરાણ લેનાર પાર્ટી કે એકમના બેંક એકાઉન્ટમાં બિઝનેસ ટર્ન ઓવર નહિ હોવા સાથે ફોન નંબર વગરના ક્વોટેશન હોવા છતાં વેરિફિકેશન કર્યા વગર કેડિટ ફેસિલિટી આપી હતી.

અંગેના ઓપિનિયન રિપોર્ટ મંગાવ્યા વગર તેમજ ફેક્ટરીના લાયસન્સ એક્સપાયર થઇ ગયા હોવા છતાં સિબિલ રિપોર્ટ નહિ મંગાવી ફોર આઇ કોન્સેપ્ટનું પાલન કર્યુ ન હતુ. આમ, બેંકના આ અધિકારીએ ધિરાણની યોજનાનો ગેરલાભ લઇ નાણાંનો દુરૂપયોગ કરી રૂ ૮.૩૩ કરોડની બેંક સાથે છેતરપિંડી કરી હતી. બેંક મેનેજરે ફરિયાદ આપતા સીઆઇડી ક્રાઇમે બેંકના તત્કાલિન અધિકારીઓ ઉમેશ દલાલ. એજન્ટ નિલેશ વાઘેલા, ઝીરો મેક્ષના ભરત અકબરી તથા ધિરાણ લેનાર મહિલાઓ સહિત ૪૪ જણા સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.