અમદાવાદ-

રઉફવલીઉલ્લાની હત્યાના કેસમાં બન્ને આરોપીઓ આજીવન કેદની સજા ભોગવતા હતા. બન્ને આરોપીઓ પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા ઘણા સમયથી જેલમાં હાજર થયા ન હતા. પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવાના આદેશો છૂટ્યાના ગણતરીના કલાકોમાં પોલીસે સફળ ઓપેરેશન કર્યું હતું. અમદાવાદ શહેરમાં એક જમાનાના ડોન લતીફની ગેંગ દ્વારા 1987થી 1994ની સાલમાં અંધાધૂંધી ફેલાવવામાં આવી હતી. ઠેર ઠેર લોકોની હત્યા, ખંડણી, મારામારી, લૂંટ સહિતના ગંભીર ગુના આચરવામાં આવ્યા હતા. આ સમયમાં ઓઢવમાં થયેલા રાધિકા જીમખાના હત્યાકાંડ અને કોંગ્રેસ નેતા રઉફવલીઉલ્લાની હત્યાના બનાવે શહેરમાં ભારે ચર્ચા અને ફફડાટ ફેલાવ્યો હતો. લતીફ ગેંગના સાગરીતોનો શહેરના ખૂણે ખૂણે દબદબો હતો. કોંગ્રેસ નેતા રઉફવલીઉલ્લાની હત્યા અને ઓઢવ રાધિકા જીમખાના હત્યાકાંડના આરોપી લતીફ ગેંગના ફરાર સાગરીતો અમીન ચોટેલી અને ફારૂકબાવાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે.