દેહરાદુન-

ઉત્તરાખંડમાં રવિવારે ત્રાટકેલી હોનારત પાછળ અત્યાર સુધી ગ્લેશિયર તૂટી હોવાનું મનાતું હતું પરંતુ એ બાબતે અભ્યાસ કરનારી સંસ્થાએ આખરે ઘટસ્ફોટ કર્યો છે કે, વાસ્તવમાં પહાડી ભૂસ્ખલનને પગલે નદીમાં એકાએક પૂર આવી ગયું હતું. આઈઆઈઆરએસ એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ રીમોટ સેન્સિંગ દ્વારા આ બાબતે અભ્યાસ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું. ઈસરોનો જ એક ભાગ એવી આ સંસ્થા દ્વારા એમ પણ કહેવાયું હતું કે, ભૂ-સ્ખલનને પગલે એકાએક બરફનું તોફાન આવતાં નદીમાં પૂર આવી ગયું હોય એમ બને. 

સોમવારે રાજ્ય સરકારને આપવામાં આવેલા હેવાલમાં કહેવાયું હતું કે, 5600 મીટરની ઊંચાઈએ ઋષિગંગા નદીના ઉપરવાસના વિસ્તારમાં ભૂસ્ખલન થયાને પગલે તાજા પડેલા બરફનું તોફાન સર્જાયું અને તેને પગલે નીચે તરફ આટલા મોટા પ્રમાણમાં બરફ અને પાણીનું વહેણ ધસી ગયું હોય એવી સંભાવના છે. રાજ્ય સરકારના આફત નિયંત્રણ અને વ્યવસ્થાપન વિભાગના પિયુષ રૂતૈલાએ કહ્યું હતું કે, ત્રીજી ફેબ્રુઆરી સુધી આ ઉપરવાસમાં ભલે બરફ ન પડ્યો હોય પરંતુ ચોથી અને પાંચમી ફેબ્રુઆરીએ અહીં મોટા પ્રમાણમાં બરફ પડ્યો હતો, જે સેટેલાઈટ ચિત્રથી જોઈ શકાય છે અને આ વિગતને આઈઆઈઆરએસ દ્વારા ચકાસી પણ જોવાઈ છે. 

રીપોર્ટમાં કહેવાયું છે કે, ભૂસ્ખલનને પગલે પહાડ પરનો ગ્લેશિયરનો તૂટેલો ભાગ પણ સાથે વહી ગયો અને આ દરમિયાન ભારે ઘર્ષણ થતાં એટલી ગરમી ઉત્પન્ન થઈ કે તેનાથી રસ્તામાં આવતો બરફ એકાએક પીગળી ગયો અને પરીણામે ધસમસતું પૂર નદીમાં આવી ગયું. એમ મનાય છે કે, ખૂબ જ ટૂંકા સમયગાળામાં અહીં 20 થી 30 લાખ ઘનમીટર  એટલે કે આશરે 20 કરોડથી 30 કરોડ લીટર જેટલુંપાણી એકાએક ધસી ગયું અને તેને પગલે એકાએક પ્રચંડ પૂર આવી ગયું. 

આઈઆઈઆરએસ ખાતે કાર્યરત પરંતુ નામ ન આપવા ઈચ્છતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખરેખર તો એ ગ્લેશિયર ફાટવાથી આવી પડેલી હોનારત નહોતી પણ પહાડી ભૂસ્ખલનને પગલે આવી પડેલું બરફનું તોફાન હતું.