દિલ્હી-

ગયા વર્ષે ૫ ઓગસ્ટના દિવસે મોદી સરકારે જમ્મુ-કાશ્મિરને ખાસ દરજ્જો આપતી કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લઇને કાશ્મિર પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવી તેમ હવે આ જ તારીખે એટલે આગામી ૫ ઓગસ્ટના દિવસે અયોધ્યામાં ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનું ભૂમિપૂજન કરીને મંદિર નિર્માણ માટેનું કામ શરૂ કરાવશે. ભાજપ અને સમસ્ત હિન્દુ સમાજ માટેના આ અનેરા ધાર્મિક આ પ્રસંગે ૨૦૦ જેટલા આગેવાનો અયોધ્યામાં હાજરી આપે તેમ જાણવા મળે છે.

સૂત્રોએ કહ્યુ કે મંદિર નિર્માણ ટ્રસ્ટે 3 અને 5 એમ બે તારીખો પીએમઓને મોકલી હતી. તેમાંથી ૫ ઓગસ્ટ પસંદ કરવામાં આવી છે. યોગાનુંયોગ આ જ તારીખે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. હવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પણ 5 ઓગસ્ટથી શરૂ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણનો સ્વીકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે થનારા ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લેવા આવશે. આ ઉપરાંત આરએસએસના વડા મોહન ભાગવત, વીએચપીના નેતાઓ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ઉમાભારતી, કલ્યાણસિંહ, વિનય કટિયાર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત લગભગ 200 હસ્તીઓ તેમાં સામેલ થશે.

પૂજન કાર્યક્રમ અને મંત્રોચ્ચાર માટે મોદીના મત વિસ્તાર વારાણસીથી પૂજારી આવશે. ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલદાસ મંદિર માટે 40 કિલો ચાંદીની શ્રીરામ શિલા સોપશે જેને વડાપ્રધાન મૂકશે. વીએચપીએ કહ્યુ છે કે કરોડો હિન્દુ લોકોની રામજન્મભૂમિ પર જ ભવ્ય રામમંદિરની આશા પૂરી થઈ રહી છે ત્યારે ભૂમિપૂજન કાર્યક્રમના જીવંત પ્રસારણની માંગ કરી છે.