વડોદરા

વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં ભણેલા અને રહી ચૂકેલા ડો.નિલીમા પટેલ દ્વારા બેચલરર ઓફ ફિઝિયોથેરાપીના ચાર તેમજ માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપી ફાઈનલ ઈયરમાં વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. જેમણે આ માટે આજે યુનિ.ને રૂા.૧૦ લાખનો ચેક સુપરત કર્યો હતો.

એમ.એસ.યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત મેડિસિન ફેકલ્ટીના ફિઝિયોથેરાપી કોલેજના એકસાથે પાંચ વિદ્યાર્થિનીઓ માટે ગોલ્ડમેડલ સ્પોન્સર કરવામાં આવ્યા છે. જેમાં બીપીટીના ૧, ૨, ૩, ૪ તથા એમપીટીના ફાઈનલ વર્ષમાં જે વિદ્યાર્થિની વધારે માર્કસ મેળવશે એમને ગોલ્ડમેડલ મળશે. આ મેડલ ડો. નિલીમા પટેલ દ્વારા મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એનાયત કરવામાં આવ્યું છે. આ જ કોલેજમાં ભણેલા તથા આ જ કોલેજમાં હેડ તરીકે સેવા આપેલ ડો. નિલીમા પટેલે ગોલ્ડમેડલ માટે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. જિગર ઈનામદાર તથા ગુજરાત સ્ટેટ ફિઝિયોથેરાપી કાઉન્સિલના પૂર્વ સદસ્ય ડો. હેમાંગ જાેશીની હાજરીમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસ તથા ડેપ્યુટી રજિસ્ટ્રાર (એડીએમ) મયંક વ્યાસને ૧૦ લાખની રકમનો ચેક સુપરત કર્યો હતો.