નિરજ પટેલ, તા.૧૩

અત્યંત સંવેદનશીલ મામલો હોવા છતાં ગોત્રી પોલીસ ગંભીર બેદરકારી દાખવતી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. હિન્દુ યુવક સાથે લગ્ન કરી લઈ ઘર છોડી દેનાર મુસ્લિમ યુવતીને એની સાસરીમાં જઈ હુમલો કરી યુવતીનું અપહરણ કરીને લઈ ગયા હોવાના બનાવને આજે એક મહિનો થઈ ગયો હોવા છતાં આજદિન સુધી યુવતીનો પત્તો પોલીસ લગાવી શકી નથી. બીજી તરફ પત્નીને વગદાર સાસરિયાં ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી બાંગ્લાદેશ લઈ ગયા હોવાનું તેના પતિએ જણાવ્યું છે. ગોત્રી વિસ્તારમાં રહેતા રમેશ રાજપૂતને સાથે જ કોલેજમાં અભ્યાસ કરતી અને તાંદલજા વિસ્તારમાં રહેતી મુસ્કાન મન્સુરી સાથે પ્રથમ મિત્રતા થઈ હતી. ત્યાર બાદ નોકરી પણ એક જ સ્થળે મળતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને એકબીજા સાથે જીવવા મરવાના સોગંદ લઈ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ બંનેના ધર્મ અલગ અલગ હોવાથી પુખ્યવયના અને શિક્ષિત હોવા છતાં બંને ઘરે આંતરજ્ઞાતીય લગ્ન કરવાનો વિચાર જણાવતાં ગભરાતા હતા. અધૂરામાં પૂરું મુસ્કાનના પરિવારજનો આર્મી બ્રેક ગ્રાઉન્ડ ધરાવતા હોવા ઉપરાંત કડક સ્વભાવના હોવાથી કોઈપણ સંજાેગોમાં હિન્દુ યુવક સાથે લગ્નની વાત સ્વીકારે જ નહીં એમ મુસ્કાન માનતી હતી. પરંતુ પ્રેમી સાથે લગ્ન કરવા બધું જ છોડી દેવા તૈયાર મુસ્કાને લગ્ન કરવાના ઈરાદે ઘર છોડી રમેશના ઘરે ગોત્રી પહોંચી ગઈ હતી અને ઘરનો ત્યાગ કરીને માત્ર પહેરેલા કપડે આવી ગઈ હોવાનું જણાવી જલદીથી કાયદેસરના લગ્ન નોંધણી કરાવી દેવા રમેશને જણાવ્યું હતું. પ મી નવેમ્બરે ઘર છોડીને બંને સુરત પહોંચ્યાં હતાં અને નોકરી શોધી ઘરસંસાર શરૂ કર્યો હતો. બીજી તરફ લગ્ન નોંધણી માટે થોડા દિવસ બાદ વડોદરા આવ્યાં હતાં, જ્યાં આંતરજ્ઞાતિય લગ્ન હોવાથી પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને બંનેના ફોટા સહિતના ફોર્મ ઉપર સહીઓ કરી હતી. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી હોવાથી ત્રણ મહિનાની નોટિસ પણ ૧રી જાન્યુઆરી, ર૦રરના રોજ લગ્ન નોંધણી અધિકારીએ આપી હતી. જેની જાણ મુસ્કાનના પરિવારજનોને થતાં મુસ્કાનના પરિવારજનો પિતા તાજ મન્સુરી, માતા સહેજાદ અલી ટોળા સાથે રમેશના ગોત્રી ખાતે આવેલા ઘરે ટોળાં સાથે આવી પહોંચ્યાં હતાં અને હુમલો તેમજ તોડફોડ કરી બારીની ગ્રીલ તોડી નાખી હતી અને ઘરમાં હાજર મુસ્કાન અને તેના પતિ રમેશ તથા ભાઈને માર મારી મુસ્કાનનું જબરદસ્તીથી અપહરણ કરીને લઈ ગયા હતા.આ બનાવ અંગે ગોત્રી પોલીસ મથકે હુમલો, તોડફોડ અને અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. હિન્દુ મુસ્લિમનો સંવેદનશીલ મામલો હોવા છતાં પોલીસ હાથ ઉપર હાથ મૂકીને બેસી રહી છે. એક મહિના અગાઉની ફરિયાદ હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં પતિ રમેશે અદાલત સમક્ષ ન્યાય માટે ગુહાર લગાવવાનું નક્કી કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ ઉપર મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે મરજીથી લગ્ન કર્યાનો વીડિયો મૂકયો

તાંદલજામાં રહેતી મુસ્કાન તાજમહંમદ મન્સુરીએ પ મી નવેમ્બરે ઘરેથી ભાગી લગ્ન કર્યા બાદ પતિ રમેશ સાથે સુરત જતી રહી હતી. ત્યાંથી સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ ઉપર પોતે કશું લીધા વગર ઘરેથી નીકળી મરજીથી રમેશ સાથે લગ્ન કર્યા છે તેમ છતાં પરિવારજનો ખોટી રીતે હેરાન કરતા હોવાનો વીડિયો બનાવી અપલોડ કર્યો હતો.