ગાંધીનગર-

રાજ્યની સરકારી શાળાઓમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની અછત જોવા મળી રહી છે. હવે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનારા બે મહિનામાં ભરતી પ્રક્રિયાનું આયોજન પૂર્ણ કરવામાં આવશે. કુલ 3300 જેટલા શિક્ષકોની ભરતીનો કાર્યક્રમ પણ સત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની વધારે ઘટ છે, ત્યારે આવનારા બે મહિનામાં જે 3,300 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જે તે વિષય પ્રમાણે ઘટતાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આમ રાજ્યમાં આવનારા દિવસોમાં એક પણ વિષયમાં શિક્ષકોની ઘટ ન થાય તે પ્રમાણના આયોજન રૂપે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના બદલી મુદ્દે 5 જુલાઇના રોજ પ્રાથમિક શિક્ષણ વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કયા વિષયમાં કેટલા શિક્ષકોની ઘટ છે અને તેની સામે કેટલા શિક્ષકોની ભરતી કરવી તે બાબતની યાદી તૈયાર કરવામાં આવશે. જુલાઈ માસના અંતિમ તબક્કા અથવા તો ઓગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, તેમ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે.