કચ્છ-

ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ શોધેલી 5,000 વર્ષ પૂરાણા હડપ્પન સાઈટને બે દિવસ પહેલાં જ પેરિસ ખાતે UNESCOની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાતાં માત્ર ખડીર ધોળાવીરા જ નહીં, પરંતુ સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ ગઈ છે. હડપ્પન સાઇટને સતાવાર "World Heritage" શ્રેણીમાં સમાવવાની જાહેરાત થઈ ગઈ છે. UNESCO દ્વારા પેરિસ ખાતે "World Heritage"ની ચર્ચા વિચારણા અંગેની બેઠકમાં કચ્છ જિલ્લામાં જમીનમાંથી ધીમે ધીમે ઉત્ખનન કરીને શોધાયેલા ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે તજજ્ઞોને, પર્યટકોને તથા દુનિયાભરના પુરાતત્વ પ્રેમીઓને સરળતાથી મળી રહે તેવો સરનામું આપવા સહમતિ દર્શાવી હતી. કચ્છમાં આ ધોળાવીરા હડપ્પન સાઇટને સમગ્ર વિશ્વ સામે લઈ આવવાનું શ્રેય ડૉ. આર. એ. બિસ્ટને જાય છે, કારણ કે લગાતાર 14 વર્ષ સંશોધન અને ઉત્ખનન કરીને આ સાઈટની શોધ કરવામાં આવી હતી. અહીંથી શોધવામાં આવેલ વિવિધ અવશેષો હાલ પુરાતત્વના મુખ્ય સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત થોડા ઘણા અવશેષો ધોળાવીરા ખાતેનાં સંગ્રહાલય ખાતે પણ મૂકવામાં આવ્યા છે. કચ્છના લોકો માટે ખુશીની વાત છે કે, ધોળાવીરાની હડપ્પન સાઈટને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા આપવામાં આવી રહી છે. જોડાયેલા સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ બહુ હતી હવે અહીં વિકાસના કામો થશે માટે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ શરૂ કરવામાં આવશે. ધોળાવીરાની સાઈટને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવા એ કચ્છ માટે ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવતાં કહ્યું છે કે, ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઊજાગર કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવીને વિશ્વભરના પ્રવાસન, સંસ્કૃતિ પ્રેમીઓને કચ્છમાં આવવા પ્રેરિત કર્યા અને સાથોસાથ આ પ્રાચીનત્તમ નગર ધોળાવીરા પણ પૂરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે 4500 વર્ષ પૂરાણી શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત છે.આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહેજો દરો અને હડપ્પાની જેમ જ ઇંટ નહિ પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી જે આજે પણ ઉદાહરણ રૂપ છે.