વડોદરા, તા.૨૪ 

ઓવરટેક કરવાના મામલે વાઘોડિયા રોડ પર યુવકની હત્યા કર્યાના બનાવમાં માથાભારે આરોપી સુરજ કહારને પોલીસની રહેમનજરથી આસાનીથી જામીન મળી ગયા હતા. જામીનમુક્ત આરોપી સુરજ કહારે વૈભવી ઓડી કારમાં વિજય રેલી જેવી રેલી કાઢી પોલીસ સામે મૂછો ઊંચી રાખી હતી. આ ચકચારી બનાવમાં હત્યાનો ભોગ બનેલ પરિવાર સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી તેવા શહેરના એક કાયદાનો અભ્યાસુ વિદ્યાર્થીએ જાગૃતતા બતાવી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢેલી અને સરકાર તથા વડોદરા પોલીસ કમિશનરને આગામી શુક્રવાર સુધીમાં જામીનમુક્ત હત્યાના આરોપીના તમામ પોલીસ કેસોના લિસ્ટ અને ગુનાઓની કોપી સાથે હાજર થવા ફરમાન કર્યું છે. વાઘોડિયા રોડ પર માથાભારે સુરજ કહારની કારને ઓવરટેક કરનાર કેવલ જાધવને માર મારી હત્યા કરવાનો બનાવ ગત તા.૪ એપ્રલે પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયોહતો. આ હત્યાના ચકચારી બનાવમાં આરોપી સુરજ કહારને ડિસ્ટ્રિક્ટે જામીનમુક્ત કર્યો હતો, ત્યારે જેલથી વારસિયા સુધી ઓડી કારમાં બેસી રેલી સ્વરૂપે લાકડાઉન હોવા છતાં આરોપી સુરજ પોતાના ઘરે પહોંચ્યો હતો. આ બનાવનો વીડિયો વાયરલ થતાં પોલીસ સફાળી જાગી હતી. ત્યારે પોલીસની રહેમનજર હેઠળ જ શહેરમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ અને ઓર્ગેનાઈઝડ ગેંગ ઊભી થાય તેવી દહેશત ફેલાવા સાથે લાકડાઉનમાં હત્યાના આરોપીની રેલી રોકવાની બેદરકારી સામે તેમજ ૧૧ ગુનાઓનો આરોપી સુરજ કહારને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોલીસે કરેલ સોગંદનામામાં આરોપી વિરુદ્ધના ગુનાઓ પર ઢાંકપીછોડો કરી કોર્ટને ગેરમાર્ગે દોરનારી પોલીસ વિરુદ્ધ ચર્ચાઓ ઊઠી હતી. આથી યુનિવર્સિટીમાં લાનો અભ્યાસ કરનાર એક જાગૃત વિદ્યાર્થી સુયશ સહાયે આરોપીની જામીનમુક્ત સામે હાઈકોર્ટમાં પિટિશન જાગૃત એડ્‌વોકેટ જયદેશ એસ.આચાર્ય દ્વારા દાખલ કરી હતી. 

ગુનેગારો સાથે પોલીસના સુંવાળા સંબંધોની પોલ ખોલી

સંસ્કારી-શિક્ષણનગરીમાં ગુનેગારો દ્વારા ગુનાખોરીનું સામ્રાજ્ય ફેલાય નહીં અને ગુનેગારો સાથે પોલીસ સુવાળા સંબંધો નહીં રાખીને પોતાની ફરજનિષ્ઠા રાખે તે માટે હત્યાના આરોપી સુરજ કહારની જામીનમુક્ત સામે શહેરના જાગૃત અને નીડર એવા એમ.એસ.યુનિ.માં બીએ પાસ કરીને એલએલબીના પાંચમા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુયશ સહાયે જિમ્મેદાર નાગરિક બની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પોતાના વકીલ જયદેશ એસ.આચાર્ય દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આ પિટિશનમાં હત્યાનો આરોપી સુરજ કહારની રેલી રોકવાની દરકાર નહીં કરનાર પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરવા, આરોપીના જામીન રદ કરવા માટે પોલીસને આદેશ કરવા અને ભવિષ્યમાં આ પ્રકારના શક્તિપ્રદર્શન થાય નહીં તે માટે પોલીસ દ્વારા આચારસંહિતા ઘડવાની માગણી કરી હતી અને ગુનેગારો સાથે પોલીસના સુવાળા સંબંધોની પોલ ખોલી છે.