અરવલ્લી,તા.૨૧ 

અરવલ્લી જિલ્લામાં સતત કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થયો છે. મોડાસા શહેર અને જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.મોડાસા શહેરના અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત નિપજતા શહેરમાં અત્યાર સુધી ૨૭ લોકોને કીલર કોરોના ભરખી ગયો છે. મેઘરજના કોરોનાની ઝપેટમાં આવેલા વૃદ્ધનું અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટતા જિલ્લામાં કોરોનાના લીધે ૩૪ લોકો શિકાર બન્યા છે. આ ઉપરાંત બાયડની વલ્લભ સોસાયટીમાં રહેતા ૭૭ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા .અરવલ્લી જિલ્લામાં કોરોનાના પગલે મોતને ભેટતા લોકોની સંખ્યા વધી રહી છે. મોડાસા શહેરમાં આરોગ્ય તંત્ર કોરોના સામે કામગીરીમાં નબળું પુરવાર થતાં કોરોના હાવી થઈ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મોડાસા શહેરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ રોજે રોજ કોરોના પોઝીટીવ કેસો બહાર આવી રહ્યા છે. જિલ્લા તેમજ મોડાસા શહેરમાં લોકલ સંક્રમણનો ભરડો વ્યાપક બન્યો છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે.જો આવનારા સમયમાં નાગરિકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ચુસ્ત અમલ ન થાય તો આ મહામારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે.એકલા મોડાસા શહેરમાં જ અંદાજે ૧૪૦ નજીક કોરોનાના કેસનો આંક પહોંચી ગયો છે.આમ હવે જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહયો છે.આમ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં કુલ ૨૯૭ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા.જિલ્લામાં વધી રહેલા લોકલ સંક્રમણથી લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ છે. બાયડની વલ્લભ સોસાયટીમાં કોરોનાનો કેસ નોંધાતા જિલ્લા કલેકટર દ્વારા કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી લોકલ અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.