સુરત-

સુરતમાં કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી તો રહ્યા છે પણ મૃત્યુદર અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા જોવા જઈએ તો તે રાહત આપનારા દેખાઈ રહ્યા છે. ઓગષ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના મૃત્યુદરમાં 54% ઘટાડો નોંધાયો છે. ઓગષ્ટ મહિનામાં કુલ 218 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા ત્યાં સપ્ટેમ્બર મહિનામાં 116 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. તે જ પ્રમાણે ઓગષ્ટ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ સુધરી છે. ઓગષ્ટ મહિનામાં કુલ 7,946 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 8,699 દર્દીઓ કોરોનાથી સાજા થઈને ઘરે ગયા હતા.જો કે અહીં ચિંતાની વાત ફક્ત એક જ છે કે સૌથી વધુ કેસ પણ સપ્ટેમ્બર મહિનામાં જ સામે આવ્યા છે. ઓગષ્ટ મહિનામાં કુલ 7,320 લોકો કોરોના પોઝિટિવ થયા હતા. જયારે સપ્ટેમ્બર મહિનામાં કુલ 8,843 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જે અત્યારસુધી સૌથી વધારે છે. ગત જુલાઈ મહિનામાં 8,000થી વધુ લોકો સંક્રમિત થયા હતા.