રાજકોટ-

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વૅક્સિનેશને વેગ પકડ્યો છે. એમાંય ખાસ કરીને રાજકોટ જિલ્લામાં વૅક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બની છે, જેમાં પ્રતિદિન ૮૦૦૦થી વધુ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ અપાઈ રહ્યાં છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના જામકોડરણા તાલુકાના ગામડાઓમાં ૧૦૦ ટકા વૅક્સિનેશન થઈ રહ્યું છે. અહીંના ૨૫ જેટલા ગામમાં સંપૂર્ણ વૅક્સિનેશન થઈ ચૂક્યું છે. આટલું જ નહીં, અંધશ્રદ્ધા અને અફવાઓ વચ્ચે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમે-ધીમે વૅક્સિનેશનને વેગ મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ સામેની જંગ જીતવા માટે કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને વૅક્સિનેશન પ્રક્રિયાને ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કોરોના વિરોધી રસીકરણ મામલે સમગ્ર દેશમાં ગુજરાતે સારું પ્રદર્શન કર્યું છે. એક આંકડા અનુસાર, સમગ્ર દેશમાં ૨.૫ લાખ કોવિડ વૅક્સિનના ડોઝ વેડફી નાંખવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધુ લગભગ ૧.૨૬ લાખ ડોઝ માત્ર બિહાર રાજ્યમાં જ બરબાદ કરવામાં આવ્યા છે. જાે ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર નાંખીએ તો, સોમવારે રાજ્યના ૬ જિલ્લાઓમાં ૨૭ નવા કેસો સામે આવ્યા છે. નવા કેસો ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને ૮,૨૪,૮૬૯ પર પહોંચી ચૂક્યો છે. જાે કે રાહતની વાત એ રહી કે, છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૫૯૫ લોકો કોરોનાની સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨૫૧ પર પહોંચી ગઈ છે, જેમાંથી ૪ની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.