સિડની

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ દિવસના અંતે 2 વિકેટે 166 રન કર્યા છે. માર્નસ લબુશેન 67 રને અને સ્ટીવ સ્મિથ 31 રને અણનમ છે. લબુશેને પોતાના ટેસ્ટ કરિયરની નવમી ફિફટી મારી છે અને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 60* રનની ભાગીદારી કરી છે. ભારત માટે મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી. ​ 

ઓસ્ટ્રેલિયન ઓપનર વિલ પુકોવ્સ્કીએ પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં સારું પ્રદર્શન કરતા ફિફટી મારી હતી. તેણે 110 બોલમાં 4 ફોરની મદદથી 62 રન કર્યા હતા. તે નવદીપ સૈનીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે માર્નસ લબુશેન સાથે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી છે. 

વિલ પુકોવ્સ્કી 26 રને રમી રહ્યો હતો ત્યારે રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં કીપર ઋષભ પંતે તેનો સરળ કેચ છોડ્યો હતો.તે પછી સિરાજની બોલિંગમાં પણ પંતે પુકોવ્સ્કીનો જ કેચ છોડ્યો હતો, તે સમયે ઓસ્ટ્રેલિયન ઓપનર 32 રને રમી રહ્યો હતો.