અમદાવાદ-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 દિવસ પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો કે 20 સપ્ટેમબર થી કોઈ પણ જાહેર જગ્યાઓ પર વેક્સિન વગરના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે જેને લઈને આજ વહેલી સવારથી જ મનપાના કર્મચારીઓ દ્વારા બગીચા, જિમ જાહેર જગ્યાઓ અને ખાસ મુસાફરી કરતાં એમ એમ ટી એસ અને બી આર ટી એસ માં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નિર્ણય તો કરી દેવામાં આવે છે પરંતુ તેની પૂર્વ તૈયારી કરવામાં આવતી નથી BRTS જેમ AMTS માં પણ વેક્સીન ફરજીયાત કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો મુસાફરો કરી રહ્યા છે. અલગ અલગ કારણોથી મુસાફરોને બસમાં પ્રવેશ આપવામાં નહીં આવતા લોકોએ રોષ ઠાલવ્યો હતો આજથી અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ AMTS અને BRTS માં વેક્સીન ફરજીયાત કરવામાં આવી છે જે લોકો પાસે વેક્સીન લીધા નું સર્ટી હોય તેને જ મુસાફરી માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેથી અનેક લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.લોકો કહી રહ્યા છે કે આગોતરી જાણકારી આપવી જોઈએ અને પૂરતો સમય આપવો જોઈએ.જેથી સમયસર ઓફિસ પહોંચી શકાય એકદમથી આ પ્રકારનો નિર્ણય થોપી દેવામાં આવે તો હાલાકી પડે જ એ સ્વાભાવિક છે ઘણા મુસાફરો બળાપો ઠાલવતા કહ્યું હતું કે તેની પાસે મોબાઈલ નથી જેમાં વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એવા સંજોગોમાં લોકો કેવી રીતે સર્ટી બતાવે ઘણા ના ઘરોમાં માત્ર એક જ મોબાઈલ હોય જેમાં રજીસ્ટ્રેશન થયું હોય તો કેવી રીતે સર્ટી બતાવવાનું ?

 બીજી સૌથી મોટી મુસીબત મજુર વર્ગને ઉભી થઇ હતી કે જેઓ દરરોજ કમાઈને ખાવા વાળા લોકો છે જેની પાસે આધાર કાર્ડ પણ નથી અને અન્ય રાજ્યોમાં વસવાટ કરે છે હવે કોર્પોરેશન દ્વારા આ પ્રકારના નિર્ણય અચાનક થોપી દેવામાં આવે તો એ મજુર વર્ગ કેવી રીતે કામ પર પહોચી શકે ? એવા લોકો માટે તંત્ર એ વેક્સીન ની પણ વ્યવસ્થા નથી કરી અને હવે તેમના માટે મુસાફરીની નવી મુસીબત ઉભી કરી દેવામાં આવી છે.આમ આજે તંત્ર ના નિર્ણય ને લોકો અલગ અલગ દ્રષ્ટી એ જોઈ રહ્યા છે આમ તો આ નિર્ણય સારો છે પરંતુ વેક્સીન ચકાસણી માટેની કોઈ અલગ વ્યવસ્થા ઉભી થાય સાથે જ મજુર વર્ગને વેક્સિન મળી રહે તેના માટે પણ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની ગઈ છે

તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ બહાર પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ લોકો આવી રહ્યા છે તેમના રસીના સર્ટિફિકેટ ચેક કરીને જ પ્રવેશ આપવામાં આવે છે સાથે સાથે મનપા સંચાલિત ગાર્ડન , જિમ, અને જાહેર જગ્યાઓ પર પણ આજે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આજે મનપાની એ એમ ટી એસ અને બી આર ટી એસ ના વર્ક શોપ અને અન્ય જગ્યા પર કામ કરતાં તમામ લોકોને ચેકિંગ માટે કામે લગાડી દીધા છે. હાલમાં જે રીતે ચેકિંગ થઈ રહ્યું છે તે પ્રમાણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સાથે સાથે આજે વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવતા બસોમાં મુસાફરોની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે. જે બસો મુસાફરો થી પેક રહેતી હતી તે બસોમાં આજે પાંખી હાજરી જોવા મળી રહી છે જેને લઈને બસોની આવક પણ ઓછી થઈ રહી છે. જેની અસર મનપાની તિજોરી અને આવક પર પણ થશે.