વાવ-

વાવ તાલુકાની દેવપુરા મુખ્ય કેનાલમાં રવિવારે સાંજના સમયે પિતાએ અગમ્ય કારણોસર પહેલા પોતાના નાના માસૂમ ફુલ જેવા પુત્રને કેનાલમાં નાખી પોતે પણ કેનાલમાં પડી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવી કેનાલમાં શોધખોળ કરી હતી. ત્યારે બીજા દિવસે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલ્તાનભાઈ દ્વારા સોમવારે સવારે પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જાેકે સાંજ સુધી પુત્રનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

લાલપુરા ગામના કલ્પેશભાઈ કરશનભાઇ ઠાકોર (ઉં.વ.આશરે ૩૦) પોતાની પત્ની પુત્ર સાથે દેવપુરા ગામે કેનાલ નજીક આવેલ ચેહરાભાઈ ચૌધરીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. ત્યારે રવિવારે સાંજના પાંચેક વાગ્યાના સમયે ખેતર નજીકથી પસાર થતી દેવપુરા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર પહેલા પોતાના આશરે ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં નાખી પોતે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. કેનાલમાં ઝંપલાવતા કેનાલના પુલ પાસે પસાર થતા રાહદારી જાેઈ જતા આજુબાજુના લોકોને જાણ કરતાં લોકો ઘટના સ્થળે દોડી આવી કેનાલમાં શોધખોળ કરી હતી. જાેકે રાત થઈ ગઈ હોઇ સોમવારે સવારે ફરી થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈને લાવી શોધખોળ આદરી હતી. ત્યારે ૧૫ કલાક બાદ કલ્પેશભાઈ કરશનભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.