વડોદરા: ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવાના ભેખધારી વિશ્વવંદનીય સૌરાષ્ટ્રના વીરપુર નિવાસી સંત શિરોમણી પ.પૂ. શ્રી જલારામબાપાની આજે કારતક સુદ-૭ ને ગુરુવારના રોજ રરરમી જન્મજયંતીના શુભદિને શહેરના કારેલીબાગના સુપ્રસિદ્ધ શ્રી જલારામબાપાના મંદીર સહિત શહેરમાં આવેલ અન્ય જલારામ મંદિરોમાં પાદુકા પૂજન, મહાઆરતી, મહાપ્રસાદી, બુંદી-ગાંઠિયાની પ્રસાદી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે સાદગીપૂર્ણ જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીની ગાઈડલાઈનને અનુસરીને માત્ર મંદિરો રોશનીથી સજાવવામાં આવ્યાં હતાં, જ્યારે કોરોનાની મહામારીને લઈને આ વરસે પ.પૂ.જલારામ બાપાની શોભાયાત્રાઓ ભક્તજનો દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી.

આજે શ્રી જલારામબાપાની જન્મજયંતીના પાવન અવસર પર ભકતો, ગુરુજનો, શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન માટે ઉમટી પડયા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ બાપાના મંદીરના સંચાલકો દ્વારા ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું.કારેલીબાગ સ્થિત સુપ્રસિદ્ધ પ.પૂ. શ્રી જલારામબાપાના મંદિરમાં ૨૨૨ દીવાઓની મહાઆરતી યોજવામાં આવી હતી અને બાપાની પ્રસાદીના ભાગરૂપે ભક્તોને પ્રસાદી આપવા માટે સેવકો દ્વારા ૪૦ હજારથી વધુ બુંદી-ગાંઠિયાના પેકેટ્‌સ તૈયાર કરવામાં આવ્યા હતા. જલારામબાપાના આશીર્વાદથી કારેલીબાગ જલારામ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા વરસોથી સયાજી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ માટેનું અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કારેલીબાગ ખાસવાડી સ્મશાન સહિત અન્ય સ્મશાનોમાં લાકડાં પૂરાં પાડવાની અવિરતપણે સેવા આપવામાં આવી રહી છે. આવી જ રીતે સમાના જલારામ મંદિરને પણ રોશનીથી સજાવવામાં આવ્યું હતું અને જલારામ બાપાના ભજનો, મહાપ્રસાદી, મહાઆરતી કરવામાં આવી હતી. ભકતોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જલારામબાપાના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી.