વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમના કોચ ફિલ સિમન્સનું માનવું છે કે બુધવારથી શરૂ થઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં બંને ઓલરાઉન્ડર કેપ્ટનો વચ્ચે પણ જોરદાર જંગ જોવા મળશે. તેમને વિશ્વાસ છે કે તેમની ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ પર વર્ચસ્વ જમાવી રાખવામાં સફળ થશે.જેસન હોલ્ડર અને સ્ટોક્સ બંને ઉચ્ચ કક્ષાના ઓલ રાઉન્ડર છે. નિયમિત કેપ્ટન જો રૂટની જગ્યા સ્ટોક્સ લેશે કેમકે જો રૂટ તેના બીજા બાળકના જન્મને કારણે આ મેચમાં રમી નહી શકે.

ત્રણ મેચની સિરીઝની પહેલી મેચ બુધવારે રોઝ બાઉલ ખાતે શરૂ થનારી છે. લગભગ ચાર મહિનાના લોકડાઉન બાદ પહેલી વાર ઇન્ટરનેશનલ ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે. સિમન્સે પહેલી ટેસ્ટ મેચ અગાઉ કહ્યું કે ' આ બંને ઓલરાઉન્ડરની વચ્ચે જંગ થવા જઈ રહ્યો છે અને મને આશા છે કે પહેલી ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સ પર ભારે પાડવા માટે જેસન હોલ્ડર વધારેમાં વધારે પ્રયાસો કરશે.'

તેમણે વધુમાં કહ્યું કે ' બેન એવો ખેલાડી છે કે જે સામે ચાલીને ટીમનું નેતૃત્વ કરે છે. ક્રિકેટમાં તેનું પ્રદર્શન આ વાતની સાબિતી આપે છે. તેટલા માટે અમારે તેને જેમ બને એમ જલ્દીથી આઉટ કરવો પડશે કારણકે તેને ટીમનું જરૂરિયાત અનુસાર પ્રદર્શન કરતા આવડે છે.'સિમન્સે કહ્યું કે 'તમારે તમારા લાભની પરિસ્થિતિનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સાવધાન રહેવાની જરૂર છે. જો રૂટ આ ટીમમાં નથી તો કેટલાક યુવાન ખેલાડીઓ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્રયાસ જરૂર કરશે.'