બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછીથી ફિલ્મ જગતમાં નિપોટિઝમ(પરિવારવાદ)ને લઈ શરૂ થયેલા વિવાદ પછી કરણ જોહરે MAMI એટલે કે મુંબઈ એકડમી ઓફ ધ મૂવિંગ ઈમેજના ડાયરેક્ટર પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તો બીજી બાજુ ખબર છે કે આ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન અને અભિનેત્રી દીપિકા પાદુકોણે કરણ જોહરે મનાવવાની કોશિશ કરી, પણ કરણે તેની વાત સાંભળી નહીં અને રાજીનામુ આપી દીધું છે.

મીડિયો રિપોર્ટ પ્રમાણે, કરણે આ ફિલ્મ ફેલ્ટિવલના આર્ટિસ્ટ ડાયરેક્ટર સ્મૃતિ કિરણને મેલ કરી રાજીનામાની વાત કરી છે. MAMIના બોર્ડમાં વિક્રમાદિત્ય મોટવાણી, સિદ્ધાર્થ રોય કપૂર, દીપિકા પાદુકોણ, ઝોયા અખ્તર અને કબીર ખાન છે.

રિપોર્ટ એવી પણ ચાલી રહી છે કે, કરણ જોહર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં કલાકારોથી નાખુશ પણ છે જે આ મુશ્કેલના સમયમાં તેની સાથે ઊભા રહ્યા નહીં, જ્યારે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ વ્યક્તિ તેની મદદ માટે સામે આવ્યું નહીં અને તેને સપોર્ટ કર્યો નહીં.

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી ઈન્ડસ્ટ્રીમાં નિપોટિઝમનો મુદ્દો ગરમાયો છે. અભિનેતાના ફેન્સ અને અમુક કલાકારોનું માનવું છે કે, સુશાંતે બોલિવુડમાં નિપોટિઝમથી પરેશાન થઈને આત્મહત્યા કરી છે. જોકે, હજુ સુધી અભિનેતાની આત્મહત્યા કરવા પાછળ ખરું કારણ સામે આવ્યું નથી. પણ ત્યાર પછી બોલિવુડમાં ઘણાં લોકોએ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા, અર્જુન કપૂર, સલમાન ખાનને પણ ટ્રોલ કરવામાં આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં કરણ જોહર, સલમાન ખાન, મહેશ ભટ્ટ અને એકતા કપૂર સહિત 8 લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, સુશાંત સિંહ રાજપૂતના મોત પછી આલિયા ભટ્ટ અને કરણ જોહરના ફોલોઅર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કરણે લગભદ 1 લાખ 90 હજાર ફોલોઅર્સ ગુમાવી દીધા છે. તો સલમાન ખાનના 50 હજાર ફોલોઅર્સ ઈન્સ્ટાગ્રામ પર ઓછા થયા છે. તો બીજી તરફ શ્રદ્ધા કપૂર, ક્રીતિ સેનન અને કંગના રાણૌતના ફોલોઅર્સમાં વધારો જોવા મળ્યો છે.

સુશાંતે બોલિવુડને કાઈ પો છે, એમએસ ધોની, છિછોરે, કેદારનાથ, સોનચિડિયા જેવી સુપરહીટ ફિલ્મો આપી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી. એકતા કપૂરની સીરિયલ દ્વારા તેણે અભિનયમાં પદાપર્ણ કર્યું હતું.