ડોદરા, તા. ૭

છેલ્લા બે વર્ષથી કોરોનોકાળના કારણે નોકરી-ધંધો ગુમાવવાના કારણે આર્થિક રીતે બેહાલ બનેલા શહેરીજનો પાસેથી કોરોના મહામારી દરમિયાન માસ્ક અને કોરોનાના જાહેરનામાના ભંગ બદલ દંડના નામે કરોડો રૂપિયા ખંખેરી લીધા બાદ પણ પોલીસ તંત્રનું હજુ પેટ ભરાયુ નથી. કોરોના મહામારી ધીમેધીમે કાબુમાં આવતા શહેરીજનો હવે ફરી નોકરી-ધંધામાં થાળે પડવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેવા સમયે હવે પોલીસ તંત્રએ ફરી ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનો કોરડો વીંઝતા શહેરીજનોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે. આર્થિક રીતે બેહાલ હોવા છતાં શહેરીજનો પાસેથી કોરોનાકાળ દરમિયાન દંડ વસુલ્યા બાદ હવે પોલીસ તંત્રને ટ્રાફિક નિયમનનના અમલના બહાને ફરી જંગી દંડ વસુલ કરવામાં એવો તો કેવો પીશાચી આનંદ આવે છે ? તે પણ શહેરીજનોમાં હવે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યમાં હવે ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાના પોલીસ કડક અમલ કરવાનો રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ આદેશ કર્યો હોવાની વાત સોશ્યલ મિડિયા પર વાયરલ થતા જ શહેરીજનોમાં ભારે વિરોધવંટોળ ઉભો થયો હતો. દરમિયાન પોલીસ તંત્ર હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનું કડકાઈથી અમલ શરૂ કરી દંડ ઉઘરાવવાની શરૂઆત કરે તે પહેલા જ આજે સવારે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ વ્યક્ત કરી શહેર પોલીસ કમિ. તેમજ ટ્રાફિક અધિક્ષકને આવેદનપત્ર આપી હેલ્મેટ અને સીટબેલ્ટનો અમલ હાઈવે પુરતો સિમિત રાખવા માટે અરજી કરી હતી. મળતી વિગતો મુજબ રાજ્યભરમાં ઉભા થયેલા વિરોધ વંટોળને જાેતા રાજ્યના પોલીસ વડાએ હાલ પુરતી આ ડ્રાઈવ મોકુફ રાખવા માટે મૈાખિક સુચના આપતા આજે પોલીસ તંત્રએ રાબેતામુજબ ટ્રાફિક નિયમનની કામગીરી કરી હતી જેથી પોલીસ અને શહેરીજનો વચ્ચે કોઈ ઘર્ષણના બનાવ બન્યા નહોંતા.

દંડના બદલે ખાડાઓ પૂરી ટ્રાફિક સિગ્નલ અને સર્વિસ રોડની સુધિવા વધારો

પોલીસતંત્ર દંડનો કોરડો વિંઝે તે અગાઉ જ શહેરના કારેલીબાગ વીઆઈપીરોડ પર આવેલા જલારામનગરમાં રહેતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે પોલીસ ડ્રાઈવનો અનોખો રીતે વિરોધ કર્યો હતો. કમલેશ પરમારે કારેલીબાગ ખાતે આવેલી ડીસીપી-ટ્રાફિકની કચેરી ખાતે સાયકલ પર હેલ્મેટ પહેરીને પહોંચતા શહેરીજનોને પણ ભારે અચરજ થયું હતું. તેમણે ડીસીપીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કોરોના પછી લોકો પાસે નોકરી-ધંધા નથી અને કેટલાક લોકો બેરોજગાર છે. કેટલાક રોડ પર ખાડાઓ છે અને ટ્રાફિક સિગ્નલ નથી તેમજ રોડ પર ગટરના ઢાંકણ ખુલ્લી હાલતમાં છે. આ ઉપરાંત રોડ પર રસ્તે રખડતા ઢોરોનો પણ ત્રાસ છે જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે. આ ઉપરાંત રાહદારીઓ માટે સર્વિસ રોડ પર નથી. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસુલવાની કામગીરી થતા શહેરીજનો સાથે ઘર્ષણના પણ બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં શહેરીજનોને ટ્રાફિકના નિયમ પ્રમાણે સુવિધા આપો અને હેલ્મેટ હાઈવે પર ફરજિયાત કરો અને સિટીમાં મરજિયાત કરો.

શહેરમાં ટુવ્હીલરો પાર્ક કરવાની જગ્યા નથી તો હેલ્મેટ ક્યાં મુકવાની?

ગુજરાત પોલીસ મહાનિરીક્ષકે ગત ૪થી તારીખે જાહેર કરેલા પરીપત્રને લઈને વેપારીઓમાં પણ ભારે વિરોધ સર્જાયો છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા આજે શહેર પોલીસ કમિ.ને આવેદનપત્ર અપાયું હતું જેમાં જણાવ્યું હતું કે શહેરના રસ્તા એકદમ સાંકડા છે જેથી વાહનોની સ્પીડ ઓછી હોઈ અકસ્માતોનો ભય ઓછો હોય છે. આ ઉપરાંત ચાર દરવાજા તેમજ રાવપુરા, રાજમહેલરોડ, ન્યાયમંદિર,સયાજીગંજ, અલકાપુરી સહિતના વિસ્તારોમાં તો ટુવ્હીલર પાર્કિંગ માટે જગ્યા નથી જેના કારણે હેલ્મેટને સાચવવી અઘરી પડેશ. છેલ્લા બે વર્ષથી કોરોની મહામારીમાં આમ જનત-વેપારીઓ પાસે રોકડ રકમનો અભાવ છે તો દંડની મોટી રકમ કેવી રીતે ભરશે ? શહેર બહાર હાઈવે પર અકસ્માતની શક્યતા વધુ હોઈ ત્યાં ફરજિયાત હેલ્મેટનો કાયદો જરૂરી છે. તેમણે આવેદનપત્રમાં જણાવેલી વિગતો ડીજીપી સુધી પહોંચાડવાની વિનંતી કરી હતી.