ગાંધીનગર-

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીનાં બગસરામાં ૪.૨૪ ઇંચ વરસાદ ખાબક્્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં દક્ષિણ અને ઉત્તરનાં અનેક ભાગોમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા પછી તે ઓડિશા અને પ. બંગાળથી આગળ વધતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી વાદળો સાથે હલકાથી ભારે વરસાદ કરીને પસાર થઈ જાય છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ અમરેલીનાં બગસરામાં ૪.૨૪ ઇંચ વરસાદ ખાબકયો છે. જે બાદ જૂનાગઢનાં માણાવદરમાં ૩ ઇંચ, અમરેલીના લાઠીમાં બે ઇંચ, ભાવનગરનાં ઉમરલામાં ૪૮ એમએમ, અમદાવાદનાં સાણંદમાં ૪૫ એમએમ, મોરબીનાં હળવદમાં ૪૩ એમએમ, જૂનાગઢનાં ભેસાણ, અમદાવાદનાં ધોલેરા અને કચ્છનાં રાપરમાં ૪૦ એમએમથી વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ૧૩૦ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૧૦૦૦ એમએમથી વરસાદ વરસ્યો હોય તેવા ૧૧૫ તાલુકા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત, ડાંગ, નવસારી, તાપી, મંગળવારે ડાંગ, તાપી, ગુરુવારે છોટા ઉદ્દેપુર, પંચમહાલ, દાહોદ, શુક્રવારે દાહોદ-પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જામનગર, પોરબંદર, દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. રાત્રે ૧૨ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર ઇંચ, બારડોલી તેમજ માંડવીમાં બે ઇંચ અને સુરત શહેરમાં સવા ઇંચ વરસાદ ખાબકયો હતો. સુરત શહેરમાં પણ ભારે પવન વચ્ચે સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમા અડધાથી ૩ ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૩, રાજકોટ જિલ્લાના મોટીમારડમા ૨, ગીર સોમનાથના વેરાવળમા દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.