ગાંધીનગર-

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તા. ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સત્ર મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આ સ્થીતી અને સંજોગો વચ્ચે વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યો અને મંત્રીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ નેતાઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ જોવા મળ્યો હતો. વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરતા વ્યારા અને ધાનેરાના ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. જોકે કોરોના ટેસ્ટ માટે કુલ છ ટીમ ફાળવવામાં આવી હતી. ભાજપાના ધારાસભ્યો અને મંત્રીઓ માટે ૪ અને કોંગ્રેસના ધારાસભ્યોના ટેસ્ટ માટે ૨ ટીમ ફાળવાઇ છે. 

આજે બંને પક્ષના ધારાસભ્ય દળની બેઠક પહેલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  આમાં જો કોઇ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડાશે. જો કોઇ ધારાસભ્ય કોરોના ટેસ્ટ કરાવવાની અનિચ્છા દર્શાવે તો તેનો ટેસ્ટ કરાશે નહિ તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.