વડોદરા, તા.પ

મા સરસ્વતીની આરાધનાના દિવસ એટલે વસંત પંચમીએ મારા વતન જેવા વડોદરાની શાન એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અતિથિ તરીકે મને હાજર રહેવાનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું આ શબ્દો છે આજના પદવીદાન સમારંભમાં અતિથિવિશેષ પદે હાજર રહેલા ભારતીય સેનાના નિવૃત્ત જનરલ લેફ્ટનન્ટ અસિત મિસ્ત્રીના. વચ્ર્યુઅલ ઓનલાઈન યોજાયેલા આ પદવીદાન સમારોહમાં ર૭૭ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ દર વર્ષની જેમ સૌથી વધુ વિદ્યાર્થિનીઓએ ગોલ્ડમેડલ મેળવી મેદાન માર્યું હતું એની સંખ્યા ૨૭૭માંથી ૧૦૪ રહ્યું હતું.

ભારતીય સેનામાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવીને નિવૃત્ત થનાર ૬૧ વર્ષીય લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીનો જન્મ વડોદરામાં થયો હતો. યુનિ.ની એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં શાળાકીય અભ્યાસ કર્યો હતો. તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને હાયર કમાન્ડ કોર્સમાં સ્નાતક છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર્સ ડિગ્રી અને દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલય ઈન્દોરમાંથી એમફીલ કર્યું છે. લગભગ ચાર દાયકાની લશ્કરી કારકિર્દી દરમિયાન લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીને ચાર વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે જેમાં પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ ઉપરાંત આર્મી સ્ટાફ અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન-ચીફથી સન્માનીત થયેલ છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલાના કમાન્ડન્ટ હતા, જેને “ક્રેડલ ઑફ મિલિટરી લીડરશિપ” તરીકે ઓળખવામાં આવે છે. યુનિ.ની વિવિધ ફેકલ્ટીના ૮,૩૨૪ વિદ્યાર્થિનીઓ અને ૬,૬૯૫ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૫,૧૦૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૨૭૭ સુવર્ણપદક આપવામાં આવ્યા છે જેમાં ૧૦૪ વિદ્યાર્થિનીઓ અને ૭૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવર્ણપદક મેળવવામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.

વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિ.નો ૭૦મો પદવીદાન સમારોહ આજે યોજવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈડલાઈનના કડક પાલન સાથે સાદાઈપૂર્વક યોજાયેલા આ સમારોહમાં સિન્ડિકેટ અને સેનેટ સભ્યોને પણ હાજર રાખવામાં આવ્યા ન હતા. જૂજ મહાનુભાવોની હાજરીમાં વચ્ર્યુઅલ પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મૂળ વડોદરાના અને સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ અસિત મિસ્ત્રી, કુલપતિ રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, ઉપકુલપતિ પરિમલ વ્યાસ, રજિસ્ટ્રાર કે.એમ.ચૂડાસમા હાજર રહ્યા હતા.

સુવર્ણ પદક મેળવનાર વિદ્યાર્થીઓની યાદી

વડોદરા ઃ ફેકલ્ટી ઓફ મેડીસીનમાં અત્રી જગદીશ ગોહિલ અને અનજા દાતાર , ફેકલ્ટી ઓફ આર્ટસમાં હીના મિલીંદ પારેખ અને પૂજા વાઢેર , ટેકનોલોજી અને એજીંન્યરીંગ વિભાગમાં ઝુજર વ્હોરા , કેયુર સેલાડીયા અને પાર્થ સોલંકી , કાજાેલ ભોજવાણી ,સલોની ગર્ગ , પ્રમાણીક પટેલ , ઉર્વિશ ગડકરી અને યશ્મીત ફાનસે , ફેકલ્ટી ઓફ લોમાં ઋષભ અગ્રવાલ અને ખૂશી મલ્હોતરા , સોશ્યલ વર્ક વિભાગમાં સોહા શેખ અને મેધના ત્રીપાઠી , ફેકલ્ટી ઓફ સાયન્સમાં પૂર્વા કચ્છી , સરજીતા ગામી , ફેકલ્ટી ઓફ ફીઝીયોલોજીમાં દીક્ષા ચૌહાણ અને રચના ચૌહાઅ , ફેકલ્ટી ઓફ કોમર્સમાં ટવિંકલ શાહ , ફેમેલી અને કમ્યુનિટી સાઈન્સ વિભાગમાં પોરીપૂર્ણા ગોસ્વામી અને પર્ફોમીંગ આર્ટસ વિભાગમાં સર્વેશ ધીરને સુવર્ણ પદક આપવામાં આવ્યો હતો.