વડોદરા

એમ.એસ.યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીઓમાં રિસર્ચનું કામ કરનાર વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સની સંખ્યા સામે રિસર્ચ ગાઈડની સંખ્યા ખુબ ઓછી હોવાનું સામે આવ્યું છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં રિસર્ચના વિષયને આધારે અન્ય કોઈ ફેકલ્ટીના અધ્યાપક મદદરૂપ સાબિત થઇ શકે છે.

યુનિવર્સીટીની જ મેનેજમેન્ટ તેમજ કોમર્સ ફેકલ્ટીમાં રિસર્ચ કરનાર ૩૩ ઉમેદવારો વચ્ચે માત્ર ૩ રિસર્ચ ગાઈડ ઉપલબ્ધ છે. જોકે બંને ફેક્લટીઓના રિસર્ચ ગાઈડ તમામ વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થઇ શકે તેમ છે.

આ જ રીતે એપલાઇડ સાયન્સ તેમજ સાયન્સ ફેકલ્ટી, પોલિટેક્નિક કોલેજ અને ટેક્નોલોજી ફેકલ્ટીમાં પણ આ જ પ્રકારે કામગીરી થઇ શકતી હોવાથી યુનિ. દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરડિસીપ્લીનરી સ્ટડીઝ શરુ કરવામાં આવનાર છે. જેને કારણે વિદ્યાર્થીઓને રિસર્ચમાં એક કરતા વધારે ગાઈડની મદદ મળી શકશે. આ સાથે પોતાના પેરેન્ટ ગાઈડ, કો-ગાઈડ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરડિસીપ્લીનરી સ્ટડીઝના ત્રણ અલગ અલગ સર્ટિફિકેટ પણ મળશે.

ગત ૨૪મી ઓક્ટોબરના રોજ મળેલી પીજી કાઉન્સિલની બેઠકમાં મેનેજમેન્ટ તેમજ કોમર્સ ફેકલ્ટીમાં ઇન્ટરડિસીપ્લીનરી ગાઈડ બદલી શકાય તે માટેના નિયમને મંજૂરી આપવામાં આવી હતી.