લોકસત્તા વિશેષ, તા.૧૦

વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની વડોદરા ક્રેડાઈના હોદ્દેદારો દ્વારા સામૂહિક રીતે મુકવામાં આવેલ સોશિયલ મીડિયા પોસ્ટથી હોબાળો મચી ગયો છે. આ પોસ્ટના કારણે વિકાસ પરવાનગીની ફાઈલોને દબાવી રાખાનાર અધિકારીઓમાં ભારે હડકંપ મચી ગયો છે. ત્યારે વડોદરા શહેરના વિકાસની ફાઈલો મ્યુનિ. કમિશનર અને વુડા ચેરમેને ભારે શાલિનતાથી દબાવી રાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શહેરમાં નવા પ્રોજેક્ટ માટે ફાઈલ મુકનાર ડેવલોપર્સને મહિનાઓ સુધી કચેરીના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જ્યાં ‘આપ કતાર મેં હૈ’ના ઉડાઉ જવાબ આપી તેમજ બિનજરૂરી વાંધા ઊભા કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાની પણ વિગતો સપાટી પર આવી છે. ખાસ કરીને કાયદાથી વિરુદ્ધ જઈ નિયમોના ખોટા અર્થઘટન થકી વડોદરાને મોટું નુકસાન કરવામાં આવતું હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ક્રેડાઈના હોદ્દેદારો દ્વારા સામૂહિક રીતે મુકવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કેટલા કરાજકારણીઓના ભવાં પણ ખેંચાયાં હતાં. જાે કે ક્રેડાઈ વડોદરાના હોદ્દેદારોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમનો વિરોધ કે નારાજગી રાજકીય નથી, માત્ર તંત્રમાં બેઠેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી હેરાનગતિ અને તેના કારણે શહેરને સતત થઈ રહેલા નુકસાનની હકીકત સામે લાવવાનો પ્રયાસ છે.

નવા બાંધકામના પ્રોજેક્ટને પરવાનગી આપવાની પ્રક્રિયા વડોદરા શહેરી વિસ્તારમાં કોર્પોરેશન તથા આસપાસના વુડા ઓથોરિટીના વિસ્તારમાં વુડા દ્વારા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન અને વુડાના અધિકારીઓના નકારાત્મક વલણના કારણે શહેરના બિલ્ડર્સ અને ડેવલોપર્સને મોટી સમસ્યા અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે તેવી સ્થિતિનુ ંનિર્માણ થયુ ંછે. ત્યારે ગઈકાલે મોડીરાત્રે વડોદરા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ, ચેરમેન દક્ષેશ પટેલ સહિતના તમામ હોદ્દેદારોએ આવા વહીવટી અધિકારીઓની શકુનિ નિતિને ખૂલ્લી પાડવા માટે સામૂહિક રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે પોસ્ટ વાયરલ થતાં જ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્‌યા હતા.

લોકસત્તા-જનસત્તા દ્વારા આ પોસ્ટનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં તેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને કોર્પોરેશનમાં કમિશનર તરીકે ફરજ બજાવતા શાલિની અગ્રવાલ હાલ વુડાના ચેરમેનનો ચાર્જ પણ સંભાળે છે ત્યારે તેઓની કામગીરી આ વિવાદનું મૂળ હોવાનું સામે આવ્યું હતું. વુડા ચેરમેન અને કમિશનર કચેરીમાં આવતી ફાઈલ માટે ઊભા કરવામાં આવતા પ્રશ્નો અને ખોટા ઓડિટના કારણે બિનજરૂરી વિલંબ થતો હોવાનું કહેવાય છે. વુડા અને કોર્પોરેશનમાં વિકાસ પરવાનગીની અનેક ફાઈલો લાંબા સમયથી નિકાલ નહીં થતી હોવાની વ્યાપક ફરિયાદ હોવા છતાં તેમાં કોઈ નિકાલ લાવવાના બદલે માત્ર રોજ નવા ઓડિટ ઊભા કરી ધક્કા ખવડાવતાં હોવાની વ્યાપક બૂમ ક્રેડાઈ સુધી પહોંચી હતી. બિલ્ડર અને ડેવલોપર્સ દ્વારા આવા અનેક મુદ્દાઓ સાથે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમાં કોઈ નિકાલ નહીં આવતાં તેનો આક્રોશ સોશિયલ મીડિયા મારફતે આજે બહાર આવ્યો હતો.

આ વિવાદ જાહેર થતાં જ આજે સવારથી જ વડોદરામાં રાજકીય હલચલે જાેર પકડ્યું હતું. ખાસ કરીને ક્રેડાઈની ઉગ્રતાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ પણ કરાયો હતો. જાે કે ક્રેડાઈના હોદ્દેદારોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ વિવાદ

પાછળ કોઈ રાજકારણ નથી. પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રના લોકોને થઈ રહેલા અન્યાય અંગે જવાબદાર લોકોનું ધ્યાન દોરાય તેવો પ્રયાસ હતો. જાે કે બીજી તરફ ક્રેડાઈના આ અભિગમના કારણે વુડા અને કોર્પોરેશન વહીવટીતંત્ર પર ભારે દબાણ ઊભું થતાં સવારથી કચેરીઓ ધમધમવા માંડી હતી. જેમાં ફાઈલોનો નિકાલ કરવા માટે બેઠકોનો દોર શરૂ થયાનું પણ જાણવા મળ્યું છે. જાે કે આ વિવાદ આગળ કેવું સ્વરૂપ ધારણ કરે છે તે તો આવનાર દિવસો નક્કી કરશે પરંતુ વડોદરાના વિકાસની ફાઈલો દબાવનાર મ્યુનિ. કમિશનર અને વુડા ચેરમેન સામે ડેવલોપર્સમાં ભારે રોષ જાેવા મળી રહ્યો હતો.

આઈટીનું ૧ હજાર કરોડનુ ંરોકાણ જતું રહ્યું

લગભગ ૮ વર્ષ પહેલાં વડોદરાના હિસ્સામાં રાજ્યની સૌથી મોટી ટીપી સ્કીમનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ ંહતું. આ ટીપી સ્કીમ એટલે વુડા હસ્તકના ૭ ગામ વેમાલી, દુમાડ, દેણા, કોટાલી, વિરોદ, આમલિયારા અને સુખલીપુરાનો સમાવેશ થતો હતો. આઈટી નોડની આ ટીપી સ્કીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર કરેલી પ્રથમ આઈટી પોલિસીના આધારે બનેલી આ ટીપી સ્કીમમાં કેટલીક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓએ આશરે ૧૨૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. પરંતુ ૮-૮ વર્ષથી ટોપલીમાં નાખી દેવામાં આવેલી આઈટી ટીપી સ્કીમના કારણે વુડાની ટીપી સ્કીમ થકી વડોદરાના યુવાનો માટે આવેલ આઈટીનું જંગી રોકાણ ધોવાઈ ગયું હતું.

૨ હજાર કરોડ આપ્યા પછી પણ શંકાના ઘેરામાં

વડોદરા શહેરમાં આકાર પામતા નવા પ્રોજેક્ટમાં ડેવલોપર્સ દ્વારા બાંધકામ પરવાનગી, વિકાસફાળો, સ્ટેમ્પ ડ્યૂટી, શરતફેરના પ્રિમિયમ તથા બિનખેતીના રૂપાંતર કર જેવા પ્રોસેસ માટે તંત્રને વર્ષે રૂપિયા ૨ હજાર કરોડ ચૂકવવામાં આવતા હોય છે. એટલે કે એક જ ક્ષેત્રમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર સિવાય માત્ર સ્થાનિક સત્તામંડળને આટલી મોટી રકમ જતી હોવા છતાં તમામ ડેવલોપર્સની રજૂઆતને શંકાથી જાેવામાં આવતી હોવાની નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

કમિશનર કચેરીમાં ફાઈલો મૂવમેન્ટની વિગતો ગાયબ

સામાન્ય રીતે કોઈપણ કચેરીમાં આવતી ફાઈલો ક્યારે આવી અને ક્યારે પરત ગઈ તેની વિગતો રાખવામાં આવતી હોય છે. પરંતુ કોર્પોરેશનમાં કમિશનર તરીકે શાલિની અગ્રવાલ આવ્યાં ત્યારથી ટાઉન પ્લાનિંગ વિભાગને લગતી ફાઈલો માટે કોઈ રેકોર્ડ રાખવામાં નહીં આવતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, આવી વિગતો હાથવગી નહીં રાખી કમિશનર દ્વારા ફાઈલમાં કેટલો વિલંબ કરવામાં આવ્યો તેની વિગતો છુપાવવામાં આવતી હોવાની પણ બૂમો ઊઠી છે. જાે કે કમિશનરના પ્રકોપના કારણે અધિકારીઓ આ ફરિયાદ કરતાં ડરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

કેટલીક ટીપી સ્કીમોને ૩ વર્ષનો બાધ લાગ્યો

વડોદરા શહેરના વિકાસ માટે વહીવટી અધિકારીઓની ઉદાસીનતાએ તમામ હદ વટાવી નાખી છે. ટીપી એક્ટ મુજબ ટીપી સ્કીમ નાખવાનો ઈરાદો જાહેર થાય ત્યાર પછી તેના તમામ તબક્કા માટેની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સમયમર્યાદામાં કોઈ મજબૂત કારણ હોય તો એક્સટેન્શન મળતું હોય છે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કમિશનર કક્ષાની બેદરકારીના કારણે લગભગ ૧૦ વર્ષ પહેલાં જાહેર કરેલી કલાલી, વડસર, માણેજા અને જામ્બુવાની લગભગ ૬ ટીપી સ્કીમો રદ થઈ ગઈ છે. જે હવે ૩ વર્ષ સુધી ફરી કોઈપણ કાર્યવાહી વગર પડી રહેશે. જેના કારણે આ વિસ્તારમાં વિકાસના કામે નવી ટીપી સ્કીમ ન થાય ત્યાં સુધી થઈ શકશે નહીં.

 પ્લોટ વેલિડેશનની ફાઈલોના પગ કાપ્યા

ટીપી સ્કીમની જમીનમાં જ્યાં ફાઈનલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હોય ત્યાં બાંધકામ પરવાનગી માગ્યાથી આપવામાં આવતી હોય છે. પરંતુ નોનટીપી વિસ્તાર માટે ડેવલોપર્સ કે જમીનમાલિકે પહેલાં પ્લોટ વેલિડેશન કરાવવાનું હોય છે. પરંતુ કોર્પોરેશન અને વુડામાં પ્લોટ વેલિડેશનની ફાઈલોના જાણે પગ કાપી લેવામાં આવ્યા હોય તેમ છેલ્લા ૬ મહિનાથી કોઈ ફાઈલો ક્લીયર કરવામાં આવી નથી. એક જાણકારી મુજબ કોર્પોરેશનમાં લગભગ ૬૦ અને વુડામાં લગભગ ૩૦ ફાઈલો લાંબા સમયથી પડી રહી છે. એટલું જ નહીં ફાઈલો ક્લીયર નહીં થતી હોવાના કારણે નવી ફાઈલો ઈનવર્ડ નહીં કરવાની પણ અઘોષિત ર્નિણયની જાણ કેટલાક અધિકારીઓ બિલ્ડરોને કરી રહ્યા છે.

ટીપી સ્કીમોના મામલે વડોદરાને જંગી નુકસાન

ટીપી સ્કીમના અમલીકરણના મામલે રાજ્યમાં વડોદરા સૌથી છેલ્લા સ્થાને છે. છેલ્લાં કેટલાંક સમયથી આ સ્થિતિ વધુ કથળી છે. જેમાં વિલંબ થવાના કારણે ઊભા થતા વહીવટી પ્રશ્નો અને કાનૂની ગૂંચ ઉપરાંત આવી બેદરકારીના કારણે વડોદરાને જંગી આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. જાે ટીપી સ્કીમનો સમયસર નિકાલ કરવામાં આવે તો તેની ૪૦ ટકા કપાત જમીન વુડા કે કોર્પોરેશનને મળે જેની બજાર કિંમત હજારો-કરોડ આંકવામાં આવે છે. જે વડોદરાના વિકાસ માટે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ટીપી સ્કીમમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ સહિતના લોકસુવિધાના કામો વધુ સરળતાથી કરી શકાતા હોય છે. પરંતુ ટીપી સ્કીમને અભરાઈ પર ચઢાવી દેવાની નીતિના કારણે વડોદરાને જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે.

પાલિકા પદાધિકારીઓ સાથે ક્રેડાઈના હોદ્દેદારોની બેઠક

વડોદરા મહાનગર પાલિકામાં મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત પદાધિકારીઓ અને ક્રેડાઈ વડોદરાના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્ને ચર્ચા થઈ હતી. જાે કે કોર્પોરેશનને લગતી જૂજ પ્રશ્નો છે જેમાં પ્લોટ વેલીછડેશનની પેન્ડિગ ફાઈલોનો નિકાલ, જે ફાઈલો મંજૂરી માટે પેન્ડિગ છે તેનો નિકાલ, ટી.પી. સ્કીમો તેમજ નવી શરતોની જમીનોમાં ૪૦ ટકા કપાત વગેરે પ્રશ્ને વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં પાલિકા કક્ષાના પ્રશ્નોના ઝડપથી નિકાલની ખાતરી આપવામાં આવી હતી.