વડોદરા, તા.૧૯

વડોદરા શહેરમાં વિવિધ સમસ્યાઓ અંગે ‘લોકસત્તા-જનસત્તા’ના એક પછી એક અહેવાલના પગલે આખરે વડોદરાના મ્યુનિસપલ કમિશનરે રાતોરાત આદેશ બહાર પાડ્યો હોવાનું જાણવા મળે છે. આ આદેશ મુજબ, મ્યુનિ. કમિશનરે પાલિકાના તમામ અધિકારીઓને લોકોની ફરિયાદને પાલિકાના ટ્‌વીટર હેન્ડલ દ્વારા ઉકેલવાનો આદેશ આપ્યો છે. મતલબ કે, હવે ટ્‌વીટર હેન્ડલ પર આવતી ફરિયાદોને સંબંધિત અધિકારીએ સાંભળવી પડશે અને તેનો ઉકેલ લાવીને ટ્‌વીટ કરવી પડશે.

‘લોકસત્તા-જનસત્તા’ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ સહિતની સમસ્યાઓ તેમજ લોકોના વિવિધ પ્રશ્નોને સતત ઉજાગર કરતું રહ્યું છે અને નિદ્રાધીન તંત્રને જગાડતું રહ્યું છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશન સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર છે જેમાં ટ્‌વીટર હેન્ડલનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશનમાં આ ટ્‌વીટર હેન્ડલ પર પાલિકા દ્વારા થતી વિવિધ કામગીરીની સાથે લોકો તેમની સમસ્યા ફોટા સાથે ટ્‌વીટ કરી શકે છે. પરંતુ અનેક વખત લોકો તેમની સમસ્યા ટ્‌વીટ કરે તો તે આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી કે પાલિકાતંત્ર તરફથી ફરિયાદ કરનારને યોગ્ય જવાબ મળતો નથી. ત્યારે આજે મળેલી બેઠકમાં મ્યુનિ. કમિશનરે પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓને ટ્‌વીટર હેન્ડલનો ઉપયોગ શરૂ કરવાની સૂચના સાથે કોર્પોરેશનના ટ્‌વીટર હેન્ડલ પર આવતી ફરિયાદો સંબંધિત વિભાગના અધિકારીને ફોરવર્ડ થશે અને જેનો જવાબ જે તે અધિકારીને આપવાનો રહેશે તેવી સૂચના આપી હોવાનું જાણવા મળે છે. જાે કે, આ પાછળ અધિકારીઓની જવાબદારીની સાથે લોકોની સમસ્યા અંગેની જવાબદેહી પણ નિશ્ચિત કરાઈ હોય તેવી ચર્ચા પાલિકાના વર્તુળોમાં થઈ રહી છે.

ટ્‌વીટર પર ફરિયાદોનું મોનિટરિંગ કોણ કરશે?

વડોદરા કોર્પોરેશનના આઈટી વિભાગમાં સોશિયલ મીડિયા હેન્ડલ કરવા કોઈ સ્ટાફ નથી. થર્ડ પાર્ટી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. આ એજન્સીનો એક વ્યક્તિ પાલિકાના આઈટી વિભાગમાં બેસે છે અને ટ્‌વીટર સહિત સોશિયલ મીડિયા પરના વિવિધ એકાઉન્ટનું હેન્ડલિંગ કરે છે. ત્યારે ટ્‌વીટર પર આવતી ફરિયાદોનું મોનિટરિંગ કોણ કરશે તે એક મોટો પ્રશ્ન છે.

અધિકારીઓમાં ગણગણાટ શરૂ, અમને ક્યાં ટ્‌વીટર વાપરતાં આવડે છે?

વડોદરા કોર્પોરેશનના કલાસ-૧ અધિકારીઓને ટ્‌વીટર પર આવતી ફરિયાદોનો જે તે અધિકારીએ જવાબ આપવાનો રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. પરંતુ પાલિકાના અધિકારીઓમાં અમને ટ્‌વીટર વાપરતાં ક્યાં આવડે છે તેવો ગણગણાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.

વડોદરામાં ટ્‌વીટરનો ઉપયોગ કરતા પ૦ હજારથી ૧ લાખ લોકો માંડ હોઈ શકે!

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરકરે જણાવ્યું હતું કે, વડોદરામાં અંદાજિત ૧૦ લાખ જેટલા લોકો ટ્‌વીટરનો ઉપયોગ કરતા હશે પરંતુ તેનો નિયમિત ઉપયોગ કરનારા એટલે કે ફેમિલીયર હોય અને ટ્‌વીટર પર કમ્પલેન કે સમસ્યા જે તે તંત્રને જણાવી શકે તેવા લોકોની સંખ્યા પ૦ હજારથી ૧ લાખ સુધીની હોઈ શકે છે.