દિલ્હી-

રાષ્ટ્રીય તપાસ એજન્સી યાને એનઆઈએ દ્વારા પંજાબી કલાકાર દીપ સિંહ સિદ્ધુ અને તેમના ભાઈ મનદીપને પૂછપરછ કરવા માટે દિલ્હી આવવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. દીપ સિદ્ધુ અને તેમના ભાઈ મનદીપ એ બંને ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે અને રાજધાનીમાં કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું  સમર્થન કરી રહ્યા છે.

એનઆઈએ સરકારના ઈશારે કામ કરે છે : પંજાબી એક્ટર

દીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું છે કે તપાસ એજન્સી  સરકારના ઈશારે કામ કરી રહી છે. શનિવારે દીપને સમન્સ મોકલાયું તે પહેલા તેમના ભાઈ મનદીપને પણ એનઆઈએએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, આજે એનઆઈએના અધિકારી તેની શીખ ફોર જસ્ટિસ નામના અલગતાવાદી સંગઠન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ એક કેસના સંદર્ભમાં પૂછપરછ કરશે.

હજી ઘણા લોકોની પૂછપરછ થઈ શકે

લગભગ 20 લોકોને એનઆઈએ દ્વારા પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે, દીપસિંહ સિદ્ધુએ જણાવ્યું છે કે તેમનું શીખ ફોર જસ્ટિસનામના કોઈ સંગઠન સાથે કઈ લેવાદેવા નથી. તેમણે જણાવ્યું કે એનઆઈએ દ્વારા સમન્સ મોકલીને કેન્દ્ર સરકાર ખેડૂતોનો સાથ આપી રહેલા લોકોને ધમકાવી રહી છે.  

પંજાબી એક્ટરની સ્પષ્ટતા 

દીપ સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે મને સમન્સ જોઈને અચરજ થયું નથી. સરકાર કૃષિ કાનૂનોનો વિરોધ કરનારા ખેડૂતો અને તેમના ટેકેદારોને ડરાવવા ધમકાવવા માટેના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે, મને આવી નોટિસથી ફર્ક નથી પડતો. મારો શીખ ફોર જસ્ટિસ સાથે કોઈ સંબંધ નથી. કોઈ કારણ નથી કે હું તે લોકોના સંપર્કમાં રહું. એ કોણ લોકો છે તે પણ મને ખબર નથી. 

બલદેવ સિંહ સિરસાને પણ સમન 

શનિવારે એનઆઈએએ ખેડૂત પ્રદર્શનમાં સામેલ થયેલ લોક ભલાઈ ઇન્સાફ વેલફેર સોસાયટીના અધ્યક્ષ બલદેવ સિંહ સિરસાની પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. બલદેવ સિંહ સિરસાની પણ શીખ ફોર જસ્ટિસના વિરોધમાં દાખલ કરવામાં આવેલ કેસ મામલે પૂછપરછ કરવામાં આવશે. સિરસાને પણ 17 જાન્યુઆરીના રોજ એનઆઈએ હેડક્વાર્ટર ખાતે હાજર થવા કહેવામાં આવ્યું છે.