દ્વારકા-

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક યુવાનને ઢોરમાર મારી નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવાની ઘટનામાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ) સહિત નવ પોલીસોને સસ્પેન્ડ કરી દેવાતાં ખળભળાળ મચ્યો છે. આ ઘટનામાં 1 ડિસેમ્બરે માથાભારે શખ્સો યુવકને જાહેરમાં નગ્ન કરીને ફેરવ્યા પછી કોઈ પણ પ્રકારના ડર વિના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા.

આ ઘટનામાં ક્રિકેટના ડબ્બાની માહિતી સોશિયલ મિડીયામાં મૂકનાર યુવાનને પાઠ ભણાવવા ક્રિકેટના ડબ્બા સાથે સંકળાયેલા તત્વોએ આ જ હરકત કરી હતી. તેમણે બે કિલોમીટર સુધી યુવાનને મુખ્ય બજારોમાં ફેરવીને પોલીસ સ્ટેશને પહોંચયા હતા. આ પૈકી શખ્સોની પોલીસે અટકાયત કરી શહેરમાં તેનું પણ સરઘસ કાઢ્યું હતું પણ ત્યાં સુધીમાં વીડિયો વાયરલ થતાં પોલીસની ઈજ્જતના ધજાગરા થઈ જતાં આ પગલું લેવાયુ છે. 

ખંભાળીયામાં નિર્વસ્ત્ર કરી યુવાનને માર મારવાની ઘટના બાદ રાજકોટ રેન્જ આઈજી ખંભાળીયા દોડી આવ્યા હતા. જિલ્લા એસપી રજા પર હોવાથી ગાંધીનગરના સ્ટેટ આઈબીના એસપીને દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપાયો હતો. તેમણે તાત્કાલિક પગલાં ભરીને આ મામલે ઈન્ચાર્જ PI સહિત 9 પોલીસને સસ્પેન્ડ કરી દીધા છે. ટ્રાફિક બ્રિગેડના 2 કોન્સ્ટેબલને બરતરફ કરાયા છે. ખંભાળિયાના PI જી.આર. ગઢવીને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા છે. રાજકોટ રેન્જ IG સંદીપસિંહે આ કાર્યવાહી કરી છે.