વડોદરા : તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પોલીસે આરોપી લાલુ ઉર્ફ લાલચંદ હેમંતદાસ ખાનાણી (રહે.એસ.કે. કોલોની, વારસિયા)ની ધરપકડ કર્યાં બાદ રિમાન્ડ મેળવ્યા હતા. વધુ રિમાન્ડની માગ નામંજૂર થતાં આરોપીએ ટ્રાયલ કોર્ટમાં જામીનઅરજી રજૂ કરતાં કોર્ટે તેને ફગાવી હતી. હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપી લાલુ સિંધીએ તેના ધારાશાસ્ત્રી મારફતે અદાલતમાં રેગ્યુલર જામીનઅરજી રજૂ કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે, અરજદાર આરોપી સામે ૨૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જે પૈકીના કેટલાક ગુનાઓમાં તપાસ હજી ચાલુ છે. આરોપીને જામીનમુક્ત કરવામાં આવે તો આ પ્રકારના ગુનાઓનું પુનરાવર્તન થવાની શક્યતા છે. વ્યક્તિ સ્વતંત્રતા તેમજ સમાજના બહોળા હિતોનું પણ અદાલતે જામીનઅરજીના ર્નિણય તબક્કે ધ્યાન રાખવાનું હોય છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે સરકારના કાયદા પાછળનો વૈધાનિક હેતુ સમાજમાંથી દારૂની બદીને દૂર કરવાનો છે. દારૂના દૂષણના કારણે સમાજમાં અન્ય ગુનાઓનું પ્રમાણ પણ વધે છે તે હકીકતને નજરઅંદાજ કરી શકાય નહીં. જેથી બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે જામીનઅરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.