આણંદ : આણંદના બોરિયાવી ગામના એક સફળ ખેડૂતે હળદર અને આદુની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી દેશ-વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યાં છે. આણંદ કૃષિ યુનિ.ના માર્ગદર્શન હેઠળ બોરિયાવી હળદર અને બોરિયાવી આદુની પેટન્ટ માટે કાર્યવાહી પણ કરી છે. એટલે કે, વિદેશના બજારમાં તમે ફરતાં હશો તો હવે તમને બોરિયાવી હળદર જાેવા મળશે. 

એક તરફ કોરોનોની મહામારીમાં લોકડાઉન અને અનલોકનાં સમયમાં આજે બોરિયાવી ગામના દેવેશભાઈ પટેલ પોતાની આગવી સૂઝથી ઓર્ગેનિક હળદરની ખેતી કરી ઉત્તમ આવક મેળવી છે. દેવેશભાઈ પટેલની વાત કરવામાં આવે તો તેઓે કમ્પ્યુટર ઈજનેરની ડિગ્રી ધરાવે છે. બોરિયાવી ગામના ખેડૂત દ્વારા હળદર અને આદુનું ઉત્પાદન કરી પોતે જાતે જ હળદર પાવડર, હળદરમાંથી સુંઠ, હળદરનું અથાણું, હળદરનું જ્યુસ ઉપરાંત કોરોનોની મહામારી વચ્ચે હળદરની કેપ્સુલ પણ બનાવી ઉત્તમ આવક મેળવી છે. હળદરના પાકની એક એકરે માત્ર પોણા બે લાખનો ખર્ચ કરી ચાર લાખની આવક મેળવી છે. દેવેશભાઈ દ્વારા હળદરના ઉત્પાદની વાત કરવામાં આવે તો કોઈપણ કેમિકલ્સ કે પેસ્ટિસાઇડના ઉપયોગ વગર એક એકરે- ચાર કિવન્ટલ બિયારણ વપરાય છે, જેની કિંમત ૮૦ હજાર થાય છે. ખાતર-લેબરનો ખર્ચ મળી લગભગ એક એકરે ૧.૭૬ લાખ જેટલો ખર્ચ થાય છે, જેમાંથી ૨૦૦ કિવન્ટલ ઉત્પાદન કરી હાલના બજાર ભાવ રૂ.૨૫૦૦ કિવન્ટલ હિસાબે રૂ.૬.૨૫ લાખ જેટલી માતબર આવક મેળવે છે, જેમાં ચાર લાખ જેટલો ચોખ્ખો નફો કરી ઉત્તમ ખેડૂતની નામના મેળવી છે.

દેવેશભાઈ પટેલને સફળ ખેડૂત તરીકે રાજ્ય અને કેન્દ્ર તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આજે તેમનાં ફાર્મ પર દેશ-વિદેશના કૃષિ વૈજ્ઞાનિક વર્ષ દરમિયાન મુલાકાત લેતાં હોય છે. સાથે સાથે દેવેશભાઈ આણંદ કૃષિ યુનિ.માં પણ કૃષિનું શિક્ષણ લેતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે. હળદર-આદુની પેટન્ટ મેળવવાની કાર્યવાહી પણ કૃષિ યુનિ. આણંદના માર્ગદર્શન હેઠળ કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે.

જાતે જ માર્કેટિંગ કરી ઓનલાઇન વેચાણ કરે છે

હળદરમાંથી અન્ય પ્રોડક્ટ બનાવવા માટે દેવેશભાઈ દ્વારા જાતે અનેક આધુનિક મશીનો પણ વિકસાવવામાં આવ્યા છે. સાથે સાથે અનેક લોકોને રોજીરોટી પણ આપી રહ્યાં છે. પોતે ઓનલાઇન વેબસાઇટ દ્વારા ડિરેક્ટ ઓર્ડર પણ લઇ રહ્યાં છે. જાતે જ માર્કેટિંગ કરી પ્રોડક્ટ સીધા ગ્રાહક સુધી પહોંચાડીને ઉત્તમ આવક મેળવી રહ્યાં છે.