આણંદ-

ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ (કોરોના વાઇરસ) જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ જનઆંદોલનના ભાગરૂપે આજે તા.૧૫મીના રોજ સામાજિક અંતરનું પાલન કરીને આણંદ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ સહિત જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર તથા જિલ્લા પોલીસ વડા અજીત રાજીયન, નિવાસી અધિક કલેક્ટર પી.સી. ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી. છારી અને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત જિલ્લા-તાલુકાની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત સહિત જિલ્લાના પ્રબુધ નાગરિકો, ધર્મગુરુઓ, સામાજિક-સ્વૈચ્છિક સંગઠનો, વ્યાપારીઓ, મહાજનો અને સમાજના તમામ વર્ગના લોકોએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કમર્ચારીઓ સહિત નાગરિકોએ શપથ ગ્રહણ કરીને કોરોના જનઆંદોલન અભિયાનને પોતાનું અભિયાન બનાવીને કોરોના વાઇરસને અટકાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કોરોના સામે એક આંદોલન છેડીને કોરોનાને હરાવી રાષ્ટ્ર-રાજ્ય અને જિલ્લાને કોરોનામુક્ત બનાવવા સંકલ્પકબદ્ધ થયાં હતાં.  

શું શપથ લેવડાવવામાં આવ્યાં હતાં?

હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ, સેનિટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારાં સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઇત્યાદીથી જીવનશૈલી સુધારીશ. મારાં પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ.