નવીદિલ્હી

બાંગ્લાદેશના વિકેટકિપર મુશ્ફીકુર રહીમ અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ તે રમત કરતાં પોતાના 'અકડું' સ્વભાવને કારણે અનેક વખત વિવાદમાં રહે છે. રહીમ ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ ગયો છે. રહીમ બંગાબંધુ ટી-20 કપમાં પોતાના જ ખેલાડી ઉપર એટલો ભડકી ગયો હતો કે તેણે હાથ ઉપાડી લીધો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં આગની જેમ પ્રસરી જતાં લોકો રહીમની ટીકા કરી રહ્યા છે.બાંગ્લાદેશમાં રમાઈ રહેલા બંગાબંધુ ટી-20 કપમાં બેક્સિમકો ઢાકાની કેપ્ટનશીપ કરી રહેલા મુશ્ફીકુર રહીમ એ સમયે વિવાદોમાં આવી ગયો જ્યારે તેણે પોતાના જ ખેલાડી ઉપર હાથ ઉપાડ્યો હતો. મેચ દરમિયાન વિરોધી ટીમને 19 બોલમાં 45 રનની જરૂર હતી અને અફીક હુસેન સારી બેટિંગ પણ કરી રહ્યો હતો

ત્યારે 17મી ઓવરમાં અફીકનો શોટ હવામાં ગયો અને મુશ્ફીકુર તેનો કેચ પડ્યા દોડ્યો હતો પરંતુ એ બોલને પકડવા માટે નસુમ અહેમદ પણ દોડ્યો હતો. કોઈ પ્રકારે રહીમે કેચ પકડી લીધો પરંતુ આ પછી તે ગુસ્સામાં નસુમ અહેમદ તરફ વધ્યો હતો. એવું લાગ્યું કે જાણે મુશ્ફીકુર રહીમ તેના ઉપર હાથ ઉઠાવી લેશે પરંતુ તે અટકી ગયો હતો.ત્યારબાદ અન્ય ખેલાડીઓએ રહીમને શાંત કર્યો અને યુવા ખેલાડી નસુમ અહેમદને પણ શાંત પાડ્યો હતો. જો નસુમ અહેમદ અને રહીમ વચ્ચે ટક્કર થઈ જાત તો કેચ છૂટી જવાની સાથે સાથે બન્ને ખેલાડીઓને ગંભીર ઈજા પણ થઈ શકે તેમ હતી. મેચની વાત કરીએ તો મુશ્ફીકુર રહીમની આગેવાનીમાં ઢાકાએ 9 રનથી જીત મેળવી હતી. રહીને આ મેચમાં 43 રન અને યાસિર અલીએ 54 રનની ઈનિંગ રમી હતી.