અમદાવાદ-

ગુજરાતમાં રાજય સરકાર દ્વારા આઉટ સોર્સીંગ એજન્સીઓ વિવિધ વિભાગોમાં કોન્ટ્રાકટથી કર્મચારીઓ રાખે છે. તેમાં આ એજન્સીઓ દ્વારા પગાર-પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારીઓને મળવાપાત્ર જે લાભો છે તેમાં મોટાપાયે ગેરરીતી કરતી હોવાનું બહાર આવતા શ્રમ રોજગાર વિભાગે રાજય સરકારની તમામ આઉટ સોર્સીંગ એજન્સીમાં કરાર રીન્યુ નહિં કરવા આદેશ આપતા મોટાપાયે કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ નોકરી ગુમાવે તેવો ભય છે. તે આઉટસોર્સ કંપનીઓનાં ટેન્ડર રીન્યુ ન થાય તો આ એજન્સીઓ તેમના કર્મચારીઓને છૂટા કરી દેશે તે નિશ્ચીત છે અને તેની રોજગારીનો નવો પ્રશ્ન ઉભો થશે.સરકાર એજન્સીનાં પરવાના રીન્યુ કરવાની ટેન્ડર પ્રક્રિયા થંભાવી છે. આ સ્થિતિ ઉભી થવાની ધારણા છે.

રાજય સરકારમા કામ કરતી આઉટ સોર્સીંગ એજંસીઓ જ શ્રમ અને રોજગાર વિભાગના નિયમોનો ભંગ કરતી હોવાના કિસ્સા ધ્યાને આવતા હાલ કાર્યરત આઉટ સોરસિંગ એજન્સીઓ માટે રીન્યુ કરવાની ટેન્ડર પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. એટલું જ નહીં રાજ્યના રોજગાર નિયામકની કચેરી દ્વારા ખુદ વિભાગે પોતાના જ પત્રમાં નિયમોનુ પાલન ન થતુ હોવાનુ કબુલ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજય સરકારના અલગ અલગ વિભાગ માટે કામ કરતી આઉટસોર્સીંગ કંપનીઓના કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી વર્તન કરવામાં આવે છે. એટલું જ નહીં કામે રાખેલ વ્યક્તિના વેતન ચૂકવવામાં પણ શોષણ થતું હોવાનું સરકારના ધ્યાને આવતા હવે આવા પ્રકારની કંપનીઓ પર સરકારે લાલ આંખ કરી છે.