વડોદરા, તા.૨૩  

વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી નાતાલના તહેવારો દરમ્યાન કેક,પેસ્ટ્રી, કૂકીસની માગ વધતા હલકી ગુણવત્તાનો માલ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે નહિ. એને લઈને એના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા વિવિધ ૬૨ યુનિટો પર દરોડા પાડીને ૫૨ નમૂનાઓ તપાસને માટે લેવામાં આવ્યા છે. આ અંગે પાલિકા દ્વારા મળતી માહિતી અનુસાર આગામી નાતાલ(ક્રિસમસ) તહેવારને અનુલક્ષીને જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ અગાઉથી જ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ટીમો બનાવી કેક-પેસ્ટ્રી, કુકીસ, વિગેરેનું વેચાણ કરતા મેનુફેક્ચરીંગ યુનીટો તેમજ દુકાનો, વિગેરેમાં ઇંન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવાકે દાંડીયા બજાર, આર.સી.દત્ત રોડ, વારશીયા રોડ,વાઘોડીયા રોડ,માર્કેટ ચાર રસ્તા,કારેલીબાગ,પાણીગેટ,ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,ચોખંડી, નવાયાર્ડ, તેમજ માંજલપુર, મકરપુરા જી.આઇ.ડી.સી., નોવિનો-તરસાલી રોડ, નિઝામપુરા, ગોત્રી રોડ, આજવા રોડ વિગેરે વિસ્તારોમાં આવેલ ૬૨-મેનુફેકચરીંગ યુનીટો તેમજ દુકાનોમાંથી સ્ટ્રોબેરી પેસ્ટ્રી, બ્લેક ફોરેસ્ટ કેક, ચોકલેટ પીરામીડ કેક, ચોકલેટ કપ કેક, પાઇનેપલ કેક, ચોકોડિલાઇટ, રેડ વેલ્વેટ, સ્ટ્રોબેરી કેક, ચોકલેટ વેનીલા કેક, તેમજ કેક અને પેસ્ટ્રી વિગેરેનાં રો-મટેરીયલ્સ જેવા કે મેંદો, આટાં, સુરતી બટર, તેમજ કેરેલા બિસ્કીટ, ચોકલેટ પેસ્ટ્રી વિગેરેનાં મળી કુલ-૫૨ નમુના લેવામાં આવ્યા હતા.જેને ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી તેમજ પબ્લીક હેલ્થ લેબોરેટરીને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ તમામ યુનીટોમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી.