ગાંધીનગર-

ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સરકારની ઉજવણીની સમાંતર ‘જન ચેતના અભિયાન અંતર્ગત વિવિધ વિરોધ કાર્યક્રમો આપવાનું આયોજન કરાયું હોવાનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

ગુજરાતની રૂપાણી સરકારની પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે તેની સામે કોંગ્રેસ દ્વારા સમાંતર રીતે વિવિધ વિરોધ કાર્યક્રમો યોજીને સરકારની નિષ્ફળતાને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવશે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાતની જનતા મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી અને અસુરક્ષાના ભાવ સાથે કપરા સમયમાં પોતાનું જીવન વ્યતિત કરી રહી છે. આ કપરા સમયમાં સરકાર દ્વારા જનતાને હુંફ, મદદ, રાહત અને સહાયતા આપવી જોઈએ. પરંતુ તેના બદલે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા રૂપી શાસનને વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાને ઉત્સવો અને તાયફાઓ પાછળ વેડફી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો માર સહન કરી રહી છે. કોરોના મહામારીમાં બે લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે, રાજ્યમાં મંદીનો માહોલ છે, લોકોના ધંધા -વેપાર ચોપટ થયા છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે. એવા સંજોગોમાં સરકારે પોતાના નિષ્ફળ શાસન માટે શરમ કરવી જોઈએ. તેના બદલે વાહવાહી કરવા માટે નવ દિવસના ઉત્સવો અને તાયફા કરવા જઈ રહી છે. આ ઉત્સવ - ઉજવણી શેના માટે? ઉજવણી કોના કેમ? એ વાતને લઈને ગુજરાતના છ કરોડ નાગરિકોના આક્રોશ, મુંજવણ, વ્યથા, લાગણી અને માંગણી વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ક્રાંતિકારી ઓગસ્ટ મહિનામાં નવ દિવસના ‘‘જન ચેતના અભિયાન’’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ અંગે ચાવડા અને ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના અઢી દાયકા કરતાં વધુ સમયના શાસનમાં શિક્ષણની અધોગતિ થઈ છે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજો બંધ અને મર્જ કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય વર્ગના લોકોએ પોતાના બાળકોને ભણાવવા માટે મસમોટી રકમની ફી ભરવી પડી રહી છે. કોરોનાની મહામારીમાં ભાજપ સરકારની અવ્યવસ્થા અને અણઘડ વહીવટના કારણે લોકોએ ભારે પરેશાની વેઠવી પડી હતી. સરકારની અણઆવડત અને અસંવેદનશીલતાના કારણે કોરોનામાં ખાનગી હોસ્પિટલો દ્વારા લૂંટ ચલાવાઈ હતી, તેમજ ઑક્સીજન, વેન્ટિલેટર, ઈંજેકશનના અભાવે બે લાખથી વધુના મોત નિપજ્યાં હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો. આ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે કોંગ્રેસ દ્વારા વિવિધ દિવસે જુદા જુદા મુદ્દા અંગે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, તા. 1 ઓગસ્ટના દિવસે શિક્ષણ બચાવો અભિયાન, તા. 2 ઓગસ્ટના દિવસે ‘સંવેદનહીન સરકાર’ આરોગ્ય બચાવો અભિયાન, તા. 3 ઓગસ્ટના રોજ અન્ન અધિકાર અભિયાન, તા. 4 ઓગસ્ટના દિવસે મહિલા સુરક્ષા અભિયાન, તા. 5 ઓગસ્ટના રોજ ખેડૂત, ખેતી બચાવો અભિયાન, તા. 6 ઓગષ્ટના દિવસે બેરોજગારી હટાવો અભિયાન, તા. 7 ઓગસ્ટના રોજ ‘વિકાસ કોનો ?’ વિકાસ ખોજ અભિયાન, તા. 8 ઓગસ્ટના દિવસે જન અધિકાર અભિયાન અને તા. 9 ઓગસ્ટના રોજ સામાજિક ક્રાંતિ અભિયાનનું આયોજન કરાયું છે.

આમ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તમામના હક્ક-અધિકાર માટે અભિયાન સ્વરૂપે કાર્યક્રમ દ્વારા ભાજપ સરકારની જનવિરોધી અને ભ્રષ્ટ નીતિ-રિતીને ઉજાગર કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસનો ‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ

દિવસ કાર્યક્રમની વિગત

1 ઓગસ્ટ, રવિવાર શિક્ષણ બચાવો અભિયાન

2 ઓગસ્ટ, સોમવાર ‘‘સંવેદનહીન સરકાર’’ આરોગ્ય બચાવો અભિયાન

3 ઓગસ્ટ, મંગળવાર અન્ન અધિકાર અભિયાન

4 ઓગસ્ટ, બુધવાર મહિલા સુરક્ષા અભિયાન

5 ઓગસ્ટ, ગુરુવાર ખેડૂત - ખેતી - બચાવો અભિયાન

6 ઓગષ્ટ, શુક્રવાર બેરોજગારી હટાવો અભિયાન

7 ઓગસ્ટ, શનિવાર ‘‘વિકાસ કોનો ?’’ વિકાસ ખોજ અભિયાન

8 ઓગસ્ટ, રવિવાર જન અધિકાર અભિયાન

9 ઓગસ્ટ, સોમવાર સામાજિક ક્રાંતિ અભિયાન