ભરૂચ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા સાત વર્ષથી પટાવાળા તરીકે કામ કરતો બિપિન વસાવાએ લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. લેબર કોન્ટ્રાકટરો પાસેથી રૂપિયા લઈ બેંકમાં ચલણ ભરી લેબર કચેરીમાં જમા કરાવી દેશે તેમ કહી રૂપિયા ઉઘરાવી લેતો હતો. જે રૂપિયા ચલણ રૂપે બેન્ક ઓફ બરોડા, સ્ટેશન રોડની શાખામાં જમા કરાવવાના નામે રૂપિયા પોતાના ગજવામાં સેરવી ચલણ પર બેંકના સિક્કા મારી લેબર કચેરીમાં ચલણ જમા કરાવ્યા બાદ જે તે લેબર કોન્ટ્રાકટરોને બાકીનું ચલણ આપી દેતો હતો. જે બાબતની જાણ મોડે મોડે લેબર કમિશ્નર જયેશ મકવાણાને થઈ હતી, જેથી લેબર કમિશ્નરએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ૪૧ જેટલા લેબર કોન્ટ્રાક્ટરોના ૨૨ લાખથી વધુ રૂપિયા ભ્રષ્ટ પટાવાળો બિપિન વસાવા ચાઉ કરી ગયો હોવાનો ખુલાસો થયો હતો. કૌભાંડ બહાર આવવાની વાતને લઈ પટાવાળો બિપિન વસાવા છેલ્લા કેટલાય દિવસથી મિ.ઇન્ડિયા બની ગાયબ થઈ ગયો હતો. ત્યારે ફરિયાદને આધારે એ-ડિવિઝન પોલીસે તેની શોધખોળ આરંભી હતી જેમાં બિપિન વસાવાને તેના ઘરેથી જ ઝડપી લીધો હતો. પટાવાળાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતાં નામદાર કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જાેકે પોલીસ રિમાન્ડમાં હજુ કેટલા લેબર કોન્ટ્રાકટરો સાથે ઠગગિરી કરી છે અને કેટલા રૂપિયા ચાઉ કરી ગયો છે તે હવે બહાર આવી શકે છે. ત્યારે વર્ષોથી કામ કરતો પટાવાળો લાખો રૂપિયાનું કૌભાંડ કરવા કોની પાસેથી પ્રેરણા મેળવતો હતો તે જાેવું રહ્યું, પણ સરકારી કચેરીઓમાં આજે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેનો જીવતો જાગતો પુરાવો મળી રહ્યો છે. સાથે જ સરકારી કચેરીઓમાં ચાલતાં કૌભાંડોને ઉજાગર કરવા લોકસત્તા જનસત્તા આજે પણ શ્રેષ્ઠ છે જે પુરવાર થયું છે.