વડોદરા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ રવિવાર રાતથી ઉત્તર તરફથી તેજ ગતિએ ઠંડા પવન ફૂંકાવાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો નીચે ગગડતાં ઠંડીના સપાટાથી લોકો ઠૂંઠવાયા હતા. આજે ૧૫ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાવાની સાથે લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી થતા ચાલુ શિયાળાની મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો.

ડિસેમ્બરના મધ્યમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની સીધી અસર હેઠળ વડોદરામાં પણ ઠંડીએ જમાવટ કરી હતી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા પાંચ દિવસ ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી હતી.જાે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસર્યા બાદ રવિવાર રાતથી ફરી ઠંડીએ જમાવટ કરી હતી. ઉત્તર-પૂર્વ તરફથી ઠંડા પવન ફૂંકાતા કોલ્ડ વેવની અસર હેઠળ નગરજનો ઠુંઠવાયા હતા. સાથે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં તીવ્ર ઠંડીના સપાટાને પગલે લોકોને દિવસ દરમિયાન ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી હતી, જ્યારે રાત થતાં જ લોકોએ ઘરોના બારી-બારણાં બંધ કરી ઘરમાં જ રહેવાનું મુનાસીબ માન્યું હતું.આજે ૧૫ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાતા તેમજ તાપમાનનો પારો વધુ નિચે ગગડતા શહેર ઠંડુગાર બન્યુ હતુ.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન રપ.૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રીના ઘટાડા સાથે ૧૦ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાતા ચાલુ શિયાળાની મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. જ્યારે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા, જે સાંજે ૩૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૧.૮ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની ગતિ પ્રતિકલાકના ૧૫ કિ.મી. નોંધાઈ હતી.