વડોદરા : શહેરના રેસકોર્સ વિસ્તારમાં સી.એ.ની ઓફિસમાં કામ કરતી પરપ્રાંતીય યુવતી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસથી ધરપકડ ટાળવા માટે અશોક જૈને અદાલતમાં દાખલ કરેલી આગોતરા જામીનઅરજીની સુનાવણી અત્રેની અદાલતે મંગળવાર પર રાખી છે, જ્યારે પોલીસે આજે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે.

અદાલતી સૂત્રો મુજબ હરિયાણાની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં શહેરના જાણીતા સી.એ. અશોક જૈન અને તેના ક્લાયન્ટ રાજુ ભટ્ટે ગોત્રી વિસ્તારમાં આવેલ નિસર્ગ કોમ્પ્લેક્સના એક ફલેટમાં દુષ્કર્મ આચર્યું હતું. આ ફરિયાદ બાદ રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર હતા. દરમિયાનમાં ફરાર આરોપી રાજુ ઉર્ફે હેમંત ભટ્ટની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં ફરાર અશોક જૈન હજુ પોલીસના હાથમાં આવ્યો નથી. બીજી તરફ આ કેસમાં પોલીસથી ધરપકડ ટાળવા માટે અશોક જૈને તેના ધારાશાસ્ત્રી મારફતે અગાઉ અદાલતમાં આગોતરા જામીનઅરજી મુકી હતી, જેની સામે પોલીસે સોગંદનામું રજૂ કરવા માટે કોર્ટ પાસે આજની મુદત માગી હતી.

દરમિયાનમાં અશોક જૈનની આગોતરા જામીનઅરજી નામંજૂર કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અશોક જૈનને જામીન મળવાથી તપાસને નુકસાન થઈ શકે છે. આરોપીએ દુષ્કર્મ જેવો ગંભીર ગુનો આચરેલ હોય તેને જામીન મળવાથી તપાસને નુકસાન થાય તેમ છે જેવા વિવિધ મુદ્‌ાઓ રજૂ કરવામાં આવતાં અત્રેની અદાલતે જેની સુનાવણી આવતીકાલ પર રાખી છે.

અલ્પુ સિંધીને માહિતી આપવા ફોન કરનાર કોણ?

રેપકાંડમાં પિડિતા યુવતી શહેરના કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી સાથે સીધા સંપર્કમાં હોઈ તેમજ આ સમગ્ર બનાવમાં દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી અલ્પુ સિંધીની પણ મહત્વની ભુમિકા રહી છે. જાેકે અલ્પુ સિંધી ઝડપાય તો આ રેપકાંડમાં હજુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેમ હોઈ સમગ્ર પોલીસ તંત્ર રેપકાંડના આરોપી અશોક જૈન સાથે બુટલેગર અલ્પુ સિંધીની પણ વ્યાપક શોધખોળ કરી રહી છે. જાેકે આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એવી વિગતો સાંપડી છે કે અશોક જૈનના પરિવારજનોને છેલ્લા કેટલાક સમયથી ‘આરટી’ નામની અજાણી વ્યકિતએ ફોન કરી જણાવ્યું હતું કે ‘ હું અલ્પુ સિંધીનું લોકેશન જાણું છું, તમે મને પૈસા આપતા હોય તો હું તમને તેનું લોકેશન બતાવી શકુ છું ’. આ વિગતોના પગલે પોલીસે આરટી નામના શખ્સની પણ શોધખોળ શરૂ કરી છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઈ

ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં પિડિતા યુવતી સાથે સમાધાન કરવા માટે રેપકાંડના મુખ્ય આરોપી રાજુ ભટ્ટે શહેરના મોટામાથા અને રાજકિય અગ્રણીઓ પાસે પણ મદદ માંગી હોવાની વિગતો મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પિડિતા સાથે સમાધાન માટે રાજકિય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કેદાર કાણિયાને મયંકનો સંપર્ક કરવા માટે જાણ કરી હોવાની ઓડિયોક્લિપના પગલે ક્રાઈમ બ્રાન્ચે આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવવા માટે જાણ કરી હતી. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જતા તેમની ચારથી પાંચ કલાક સુધી પુછપરછ કરી હોવાની વિગતો સાંપડી છે. જાેકે પુછપરછમાં કોઈ ફળદાઈ નહી વિગતો નહી મળતા ધર્મેન્દ્રસિંહને રવાના કરવામાં આવ્યા હતા.

સીટના સભ્યો દોડી આવતાં અલ્પુ સિંધી ઝડપાયાની ચર્ચા

ગોત્રી રેપકાંડનો મામલો ઠેક રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચતા આ કેસની તપાસ માટે શહેર પોલીસ કમિશ્નરે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. આજે દિવસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના મુખ્યાલય ખાતે સામાન્ય અવરજવર રહ્યા બાદ રાત્રે અચાનક સીટના સભ્યો એક પછી એક ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી આવતા તેઓની તુરંત ગુપ્ત બેઠક મળી હતી જે રાત સુધી ચાલુ રહી હતી. જાેકે સીટના સભ્યોની આકસ્મિક બેઠકના પગલે આ કેસમાં સંકળાયેલો વોન્ટેડ બુટલેગર અલ્પુ સિંધી ઝડપાયો હોવાની તેમજ ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં હજુ કોઈ નવો ધડાકો કરશે તેવી પણ વાત વહેતી થઈ હતી. જાેકે સીટના સભ્યોએ મિડિયા સાથે વાતચિત કરવાનું ટાળતા સીટના સભ્યોની અચાનક બેઠકનું રહસ્ય જાણી શકાયું નહોંતું.