ફતેપુરા વિસ્તારમાં દારૂ-બિયરની ૧૪૬ બોટલ જપ્ત ઃ દારૂ લાવનાર વેપારીનો પુત્ર વોન્ટેડ

વડોદરા, તા.૧૯

ફતેપુરા વિસ્તારના ખારી તલાવડી પાસે ભંગારની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્થા સહિત ૫૮ હજારથી વધુની મત્તા જપ્ત કરી હતી. દારૂનું વેચાણ કરતા પિતા-પુત્ર પૈકી પિતાની ધરપકડ કરી પુત્રને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ફતેપુરાના ખારી તલાવડી પાસે ભંગારના ગોડાઉનની બાજુમાં દુકાન ધરાવતા સત્યમ તિવારી અને તેના પિતા ચંદ્રભુષણ તિવારી દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી વિગતોના પગલે વારસિયા પોલીસે ગઈ કાલે પિતા-પુત્રની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ચંદ્રભુષણ રામનિરંજન તિવારી (મેલડીમાતા મંદિર પાસે, ખારી તલાવડી,ફતેપુરા) હાજર હોઈ પોલીસે તેને સાથે રાખી દુકાનમાં તપાસ કરી હતી. દુકાનમાં પલંગમાં છુપાવેલી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૦૮ બોટલ અને બિયરના ૩૮ ટીન મળતા પોલીસે દારૂનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ ૫૮,૮૦૦ની મત્તા જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો સત્યમ ચન્દ્રભુષણ તિવારી લાવ્યો હોવાની વિગતો મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

એક્ટિવા પર લઈ જવાઈ રહેલી દારૂની ૧૭ બોટલો સાથે ત્રણની ધરપકડ

બાપોદ પોલીસમથકના જવાનોને આજે બપોરના સમયે બાતમી મળી હતી કે, સયાજીપુરા ગામ પાસેથી એક એક્ટિવા પર દારૂનો જથ્થો લઇ જવામાં આવનાર છે. બાતમીના આધારે પોલીસ વોચમાં ગોઠવાઈ હતી અને એક સફેદ રંગના એક્ટિવા પર ત્રણ ઈસમો આવતા પોલીસે ઉભા રાખીને તપાસ કરી હતી. તેઓના નામઠામ પૂછતાં ત્રણેય સોમા તળાવ પાસેના કૃષ્ણનગર ખાતે રહેતા પ્રદીપ નવલસીંગ રાઠવા, મનહર ઠાકોરભાઈ પટેલ તેમજ તુસલી ઉર્ફે રાકેશ ગેમસીંગ રાઠવા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની પાસેથી મળી આવેલી દારૂની ૧૭ બોટલો, એક્ટિવા તેમજ બે મોબાઈલ ફોન સહીત કુલ ૪૭,૧૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી પાસેથી દારૂ ૪.૫૩ લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ

મેવલી ગામથી પરથમપુરા ગામ તરફ વિદેશી દારૂ ભરીને સફેદ બોલેરો પસાર થવાની હોવાની બાતમી મળતા સાવલી પોલીસે પરથમપુરા ગામ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવ્યો હતો. અને આ બોલેરોને આંતરી હતી. આ ગાડીને રોડ સાઇડમાં લેવડાવતાં જ એક શખસ બોલેરોમાંથી ઉતરીને ખેતરોમાં ભાગી ગયો હતો. જ્યારે અન્ય ત્રણ શખસોને પોલીસે તેના ચાલક વિનોદ પુજા મેઘવાળ (ઉચવાણગામ તા. દેવગઢ બારિયા દાહોદ) સહિત બીજાે રણજીત રામસિંહ પટે (જાંબીયા ગામ દેવગઢ બારિયા) અને અર્જુન બાબુ પટેલ (જાંબીયા ગામ દેવગઢ બારિયા)ની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેયને સાથે રાખીને પોલીસે બોલેરોમાં તપાસ કરતા પાછળની સીટ નીચેથી ખાખી કલરના વિદેશી દારૂના ૧૦ બોક્સમાં ક્વાટરીયા ૪૭૮ નંગ કિ.રૂા.૪૭,૮૦૦ના મળી આવ્યા હતાં. પોલીસે ત્રણ મોબાઇલ, બોલેરો અને દારૂ મળીને કુલ ૪,૫૩,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી સાવલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આઈ-૧૦ કારમાં બિયરના ટીન સાથે યુવક ઝડપાયો

સમા પોલીસે ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન સમા-સાવલીરોડ પર લોટ્‌સ ઐારા બિલ્ડીંગના પાર્કિગમાં સફેદ રંગની આઈ-૧૦ કારમાં શંકાસ્પદ હાલતમાં બેઠેલા પ્રણવ મહેન્દ્રભાઈ શાહ (રોઝડેલ વાટીકા, બીલગામ, અટલાદરા પાસે)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા પાછળની સીટ પરથી સીલબંધ હાલતમાં બિયરના ત્રણ ટીન મળ્યા હતા. પોલીસે બિયરના ટીન અને કાર સહિત ૨,૦૦,૪૫૦ની મત્તા જપ્ત કરી પ્રણવ શાહની નશાબંધીના ગુનામાં અટકાયત કરી હતી.