રાનકુવા : ગુજરાતને સમગ્ર દેશમાં જાહેર શૌચક્રિયા થી મુક્ત કરવા માં પ્રથમ નંબરે લાવવાની સ્પર્ધામાં સૌચાલય માત્ર કાગળ પર બન્યા અને અનેક લાભાર્થીઓને લાભ મળ્યો નહિ એવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે નવસારી જિલ્લાના ટ્રાયબલ વિસ્તારોમાં ગરીબ લાભાર્થીઓ ના ઘરે શૌચાલય નિર્માણ કરવાના લક્ષ્યાંકો ના હરણ ફાળ જેવા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કરોડો રૂપિયાની ગ્રાન્ટોના ખર્ચા કરવામાં આવ્યા છે. 

લાભાર્થીઓની યાદી ઓ અને ચુકવવામાં આવેલા નાણાં સામે સૌચાલય ની સુવિધાઓ કેવા અને કયા પ્રકારની આ પરિસ્થિતિમાં છે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશો કરી તપાસો હાથ ધરાય તો શૌચાલય કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી. શૌચાલય નિર્માણમાં અનેક ફરિયાદો આવી હશે પરંતુ સંખ્યાબંધ ફરિયાદો ની અરજીઓને એજન્સીના સત્તાધીશોએ કચરાટોપલીમાં પધરાવી દીધી હશે. કરાર આધારિત વહીવટમાં કરવામાં આવેલા વહીવટ અને કામોમાં કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચાઓમાં ગરીબ લાભાર્થીઓની ફરિયાદોની બૂમો સામે એજન્સીના એક પણ કર્મચારી તપાસ કરવા તૈયાર જ નથી કારણકે ઉપરથી નીચે સુધી તંત્ર જ સડેલું છે. એજન્સીએ તો ગામેગામ શૌચાલય રૂપકડા બોર્ડ મારી સસ્તી પ્રસિદ્ધિ માટે તમામ તાલુકા ને ઓ.ડી.એફ. જાહેર કર્યાના અહેવાલો સરકારમાં મોકલી દેવાયા છે.