વડોદરા, તા.૨૫

સોખડા સ્વામીનારાયણ મંદિરની ગાદીનો વિવાદ શાંત થવાને બદલે હવે વધુ વકરતો જાેવા મળી રહ્યો છે. અગાઉ ગાદીપતિ તરીકે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વરૂપસ્વામીના સંયુક્ત નામની જાહેરાત થઈ હતી અને બંનેને અલગ અલગ જવાબદારીઓ પણ સોંપાઈ હતી. એવા સમયે અગ્રણી સંત ત્યાગવલ્લભસ્વામીએ ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતનમાં અનુગામી તરીકે પ્રેમસ્વરૂપની જાહેરાત કરતાં વિવાદ વધુ વકર્યો છે અને હરિભક્તોમાં અસંતોષ અને ઉશ્કેરાટ ફેલાયો છે.

સંતો અને હરિભક્તોએ ત્યાગવલ્લભસ્વામી આવી જાહેરાત કેવી રીતે કરી શકે એવો સવાલ ઉઠાવી અન્ય મહત્ત્વના સંતો અને હરિભક્તો સાથે ચર્ચા કર્યા વગર પ્રેમસ્વરૂપસ્વામીને ગાદીપતિની જાહેરાત એકતરફી હોવાનું જણાવ્યું છે અને ઉમેર્યું છે કે, પ્રેમસ્વામી ચાર દિવસથી બહાર છે. પ્રબોધસ્વામી હરિધામમાં છે. વિઠ્ઠલદાસ ફુઆ આણંદ છે એવા સમયે આવી જાહેરાત કેવી રીતે થઈ એવો સવાલ ઉઠાવ્યો છે.

ખુદ હરિપ્રસાદ સ્વામીજીની જીવનભાવના હતી કે બધાને સાથે રાખીને અને સૌનું વિચારીને ચાલવું એ ભાવનાનું ખંડન થઈ રહ્યું છે. ખુદ હરિપ્રસાદસ્વામીજી બધા જ સંતો અને સત્સંગના વડીલોને સાથે રાખીને નિર્ણય કરતા હતા ત્યારે જવાબદાર વ્યક્તિઓને સાથે રાખ્યા વિના, વિશ્વાસમાં લીધા વિના, અનુમતિ લીધા વગર આવી જાહેરાત કેવી રીતે કરી શકાય. સ્વામીજી બ્રહ્મલીન થયા બાદ ત્રયોદશીના દિવસે દેશ-વિદેશના ભક્તો અને સત્સંગના વડીલો સમગ્ર સમાજની હાજરીમાં જ જાહેર થયું હતું કે, પ્રેમસ્વામી અને પ્રબોધસ્વામી ભેગા મળી કાર્યને આગળ ધપાવશે. આ લેખિત ઠરાવ ઉપર જવાબદાર વડીલોએ સહી પણ કરી છે. ત્યારે ત્યાગસ્વામીએ પ્રેમસ્વામીની જાહેરાત કરતાં વિવાદ ઊભો થયો છે.

પ્રેમસ્વરૂપસ્વામીએ પોતે જ મીડિયા સમક્ષ જાહેર નિવેદનથી જણાવ્યું હતું કે, અમે એટલે કે પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધસ્વામી ભેગા મળીને કાર્ય આગળ ધપાવીશું એવા સમયે ભક્તોને ગુમરાહ કરતાં આવા નિવેદનોથી દેશ-વિદેશના ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગાદીપતિની જાહેરાત ઉપરાંત અન્ય એક મહત્ત્વના મુદ્‌ા ઉપર પણ ભક્તોમાં ભારે અસંતોષ ફેલાયો છે જે બાકરોલ આત્મીયધામ વિદ્યાસંકુલ અંગેનો છે એ નિર્ણય પણ પક્ષપાતવાળો અને આત્મીય ભાવનાનું ખંડન કરતો હોવાનું માનવામાં આવે છે જેમાં આખી કમિટી બદલીને એકપક્ષીય કમિટીની રચના કરવામાં આવી છે. એની ઉપરથી ધાર્મિક સંકુલને કોર્પોરેટ સ્ટાઈલથી ચલાવવાનો નિર્ણય લેવાયો હોવાની છાપ ઊભી થઈ છે. જેમાં હરિપ્રસાદ સ્વામીની જીવનભાવના ભૂંસાઈ રહી છે. આ સંકુલ કે જે સેવાભક્તિ અને યુવાવિકાસના માર્ગે આગળ થઈ રહ્યું છે તેને પણ રાજકોટ સંકુલ યુનિ.ની જેમ કોર્પોરેટ બનાવવાનો દેખીતો પ્રયાસ લાગી રહ્યો છે. હરિભક્તોનું એમ પણ માનવું છે કે સ્વામીજી આ સંકુલને પ્રેમભક્તિ અને આત્મીયતાથી ધબકતું રાખવા માગતા હતા એ વાત વિસરાતી લાગી રહી છે. પ્રેમસ્વામી પોતે વિચરણમાં છું એમ ફોન ઉપર જણાવે છે અને કમિટીમાંથી છ સંતોની બાદબાકી ના થવી જાેઈએ. આવીને હું કમિટી બદલી નાખીશ, સંતોને મળીશ અને તટસ્થ કમિટી બનાવીશ. ત્યારે સવાલ એ ઊભો થાય છે આ બધું કોના દોરીસંચારથી થાય છે.‘’