દિલ્હી-

દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વચ્ર્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટિ્‌વટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.

આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જાેવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જાેવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વચ્ર્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.