નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં મહાન યોગદાન આપનારા વિનાયક દામોદર સાવરકરની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આઝાદીની લડાઈના મહાન સેનાની અને પ્રખર રાષ્ટ્રભક્ત વીર સાવરકરને તેમની જયંતી પર કોટિ કોટિ નમન. પ્રકાશ જાવડેકરે પણ સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે મહાન સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને લેખક વીર સાવરકરને તેમની જયંતી પર કોટિ કોટિ નમન. તેમનું આખું જીવન સ્વરાજ્યની પ્રાપ્તિ માટેના સંધર્ષમાં જ વીત્યું હતું.

સ્વતંત્રતા સંગ્રામમાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકર મુખ્ય આધારસ્તંભ હતાં. ભારતની અખંડિતતા અને સંસ્કૃતિના પ્રખર સમર્થક અને જ્ઞાતિવાદના પ્રબળ વિરોધી સાવરકરજીએ લોકોને તેમના અનંત સંઘર્ષ, ઉત્સાહપૂર્ણ ભાષણ અને ચિરકાલીન વિચારો સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા પ્રેરણા આપી હતી. તેમનો સંકલ્પ અને હિંમત આશ્ચર્યજનક હતી.વીર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ નાસિકના ભગૂર ગામમાં થયો હતો. 1937માં તેઓ હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતાં. તેમને વીર સાવરકરના નામે પણ જાણીતા છે.