વડોદરા

વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એવી સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાંથી મૃતદેહોનો યોગ્ય સમયે નિકાલ કરવામાં ન આવતાં કોલ્ડરૂમમાં મૃતદેહોનો ભરાવો થઈ ગયો હતો. જેથી હોસ્પિટલમાં આવતા કોરોનાના તથા સામાન્ય મૃતદેહોને મુકવા માટેની જટિલ સમસ્યા સર્જાઈ છે. આ બનાવની જાણ હોસ્પિટલના સત્તાધીશોને થતાં અધિકારીઓ દોડી આવ્યા હતા અને મૃતદેહોના નિકાલની ગતિવિધિ હાથ ધરી હતી. શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં એકસાથે ૩૬ મૃતદેહો રાખી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કોરોનાની મહામારીમાં મૃતકો તથા શંકાસ્પદ મૃત્યુ પામેલા તમામ મૃતકોની ડેડબોડીઓ મુકવામાં આવે છે, તેની સામે મૃતકોનો યોગ્ય સમયે તેનો નિકાલ કરવામાં ન આવતાં પડી રહેતા મૃતદેહોને હોસ્પિટલમાં આવતા કે વોર્ડમાં દાખલ દર્દીઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ કરવા માટે કોલ્ડરૂમમાં મૂકવા માટેની સમસ્યા સર્જાઈ હતી અને મૃતદેહોને કોલ્ડરૂમ બહાર મુકવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી તબીબો અને કર્મચારી-સ્ટાફમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની તપાસના અંતે કોલ્ડરૂમના રજિસ્ટર અને મૃતદેહોના નિકાલના લિસ્ટની સરખામણી કરવામાં આવતાં જેમાં કોલ્ડરૂમના રજિસ્ટરના નિકાલમાં અને વાસ્તવિકતામાં મૃતદેહોના નિકાલનો ઘણો તફાવત જાેવા મળ્યો હતો. જેના કારણે કોલ્ડરૂમમાં મૃતદેહોનો ભરાવો થયાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ગંભીર પરિસ્થિતિને પગલે હોસ્પિટલના સત્તાધીશો દોડી આવ્યા હતા અને મૃતદેહોનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના અપાઇ હતી.